પશ્ચિમ એશિયા સંકટના 20 મા દિવસે તંગદિલીભર્યો માહોલ: ઈરાન અને કતાર સામસામે
Live TV
-
પશ્ચિમ એશિયા સંકટના 20 મા દિવસે તંગદિલીભર્યો માહોલ: ઈરાન અને કતાર સામસામે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું સંકટ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. અત્યાર સુધી સૈન્ય મથકો અને સરહદો પર મર્યાદિત રહેલો જંગ હવે ‘એનર્જી વૉર’ (ઊર્જા યુદ્ધ)માં તબદીલ થયો છે. ઈરાનના સૌથી મોટા ગેસ ક્ષેત્ર પર થયેલા હુમલા બાદ ખાડી દેશોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેના કારણે વૈશ્વિક તેલ બજાર પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
ઈરાનના ગેસ ક્ષેત્રો પર એર સ્ટ્રાઈક
ઈરાની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, દક્ષિણ ઈરાનમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસલુયેહ શહેરની તેલ અને ગેસ સુવિધાઓ પર ભીષણ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ઈરાને આ હુમલા માટે સીધો આરોપ અમેરિકા અને ઈઝરાયેલ પર લગાવ્યો છે. આ હુમલાથી ઈરાનના ઊર્જા ઉત્પાદનને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ઈરાનનો વળતો પ્રહાર: કતાર પર મિસાઈલ હુમલો
આ એર સ્ટ્રાઈકના જવાબમાં ઈરાને આક્રમક વલણ અપનાવતા ખાડી દેશોના તેલ અને ગેસના ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ ધમકીના ગણતરીના કલાકોમાં જ ઈરાને કતરના જાણીતા ઔદ્યોગિક શહેર રાસ લફ્ફાન અને ત્યાં આવેલા ગેસ પ્લાન્ટ પર મિસાઈલો છોડી હતી. આ હુમલાથી કતરની ઊર્જા નિકાસ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે.
કુટનીતિક સંબંધોમાં તિરાડ: કતારનો કડક નિર્ણય
ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ કતાર અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત વણસ્યા છે. કતરના વિદેશ મંત્રાલયે અત્યંત કડક વલણ અપનાવતા ઈરાનના રાજદૂતો, સૈનિકો અને સુરક્ષા અધિકારીઓને દેશ છોડવા આદેશ આપ્યો છે. તમામ ઈરાની કર્મચારીઓને 24 કલાકની અંદર કતર છોડવા માટે અલ્ટીમેટમ અપાયું છે.
વૈશ્વિક ચિંતા અને ખાડી દેશોની પ્રતિક્રિયા
ખાડીના અન્ય દેશોએ કતાર પરના આ હુમલાની સખત શબ્દોમાં ટીકા કરી છે. નિષ્ણાતો માને છે કે જો આ 'એનર્જી વૉર' આગળ વધશે, તો વિશ્વભરમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયેલ તરફથી હજુ સુધી ઈરાનના આરોપો પર સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ પશ્ચિમ એશિયા અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
