પુતિનના ભારત પ્રવાસ પહેલા રશિયાની મોટી ભેટ: ડ્યૂમાએ 'RELOS ડીલ'ને મંજૂરી આપી
Live TV
-
રશિયન સંસદ ડ્યૂમાએ રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસ પૂર્વે ભારત-રશિયા વચ્ચેના રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ (RELOS) સંરક્ષણ કરારને મંજૂરી આપી છે. આ ડીલ બંને દેશો વચ્ચે સૈન્ય મથકો અને સુવિધાઓના પરસ્પર ઉપયોગને મજબૂત કરશે, જ્યારે બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $100 બિલિયન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. તેમના પ્રવાસ પહેલા ભારત-રશિયા વચ્ચેની મહત્ત્વની ડિફેન્સ ડીલને મંજૂરી મળી છે. રશિયન સંસદના નીચલા ગૃહ ડ્યૂમા તરફથી 3 ડિસેમ્બરના રોજ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને મંજૂરી આપવામાં આવી છે. રશિયન રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા બંને દેશોએ પોતાની મિત્રતાને વધુ મજબૂત કરતાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
જણાવી દઈએ કે, રશિયા અને ભારત વચ્ચેની મિત્રતા ઘણી ઊંડી અને જૂની છે. હવે આ મિત્રતા સાથે એક નવા આયામને મજબૂતી આપવાની તૈયારી ચાલી રહી છે. સંરક્ષણ સહયોગ ઉપરાંત, રશિયા હવે વેપારમાં પણ ભારતનો વિશ્વસનીય અને મજબૂત ભાગીદાર બનવા માંગે છે. આ જ કારણ છે કે બંને દેશો લાંબા સમય બાદ વેપારના નવા દરવાજા ખોલી રહ્યા છે.
RELOS ડીલને મંજૂરી
રશિયન સંસદ ડ્યૂમાએ આજે ભારત-રશિયા રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ (RELOS) કરારને મંજૂરી આપી છે. આ ડીલ હેઠળ બંને દેશો તેમના સૈન્ય મથકો, બંદરો, સપ્લાય પોઈન્ટ, એરફિલ્ડ, સુવિધાઓ અને સંસાધનોને એકબીજા સાથે એક્સચેન્જ કરશે. સાથે જ આ અભિયાનમાં થતો ખર્ચ બંને દેશો દ્વારા વહેંચવામાં આવશે.
આ કરારનો ઉપયોગ શાંતિ સમયના સૈન્ય સહયોગ અને લોજિસ્ટિક સહયોગ દરમિયાન કરી શકાશે. જોકે, આ ડીલ હેઠળ સૈન્ય મથકનો ઉપયોગ કોઈપણ પ્રકારના સૈન્ય સંઘર્ષ માટે કરવામાં આવશે નહીં, તે બાબત ધ્યાન પર લેવા જેવી છે. નોંધનીય છે કે રશિયા પહેલા ભારત આ પ્રકારના કરાર અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને અન્ય દેશો સાથે કરી ચૂક્યું છે.
100 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
ઈન્ડિયા હેબિટેટ સેન્ટરમાં સ્પુતનિક ન્યૂઝ દ્વારા આયોજિત મીડિયા બ્રીફિંગમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે પુતિનનો આ પ્રવાસ ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત કરશે, જેની નીવ પરસ્પર સમજણ, ભાગીદારી અને નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાની સહિયારી દ્રષ્ટિ પર ટકેલી છે.
સંરક્ષણ અને ટેકનોલોજી: રશિયા નવી અને ઊભરતી ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાનો અનુભવ ભારત સાથે શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઊર્જા સહયોગ: રશિયા સ્પર્ધાત્મક ભાવો પર ભારતને ઊર્જા પુરવઠો ચાલુ રાખશે, જે બંને દેશો માટે ફાયદાકારક છે.
પરમાણુ ઊર્જા: તેમણે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં હાલના સહયોગ અને ભવિષ્યની પરિયોજનાઓની પુષ્ટિ કરી, જેના કારણે ભારતના પરમાણુ ઉદ્યોગમાં "એક અલગ સેક્ટોરલ ઇકોસિસ્ટમ" તૈયાર થઈ છે.
વેપાર: ભારત-રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલમાં 63 અબજ ડોલર પર પહોંચી ચૂક્યો છે, અને બંને દેશોએ વર્ષ 2030 પહેલા 100 અબજ ડોલરના લક્ષ્યને પાર કરવાનો સંકલ્પ લીધો છે.
ક્રેમલિન પ્રવક્તાએ સ્વીકાર્યું કે કેટલીક શક્તિઓ ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારિક સંબંધોને અવરોધિત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રશિયા આ પડકારો છતાં સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. વેપાર સંતુલન સુધારવા માટે રશિયા ભારતમાંથી આયાત વધારવાની દિશામાં સક્રિય છે.
