ફીફા વર્લ્ડ કપ: જર્મની બહાર, પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી અંતિમ-16માં પ્રવેશ
Live TV
-
ફીફા વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વેએ ચાર વખતની ચેમ્પિયન જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી હરાવીને મોટો ઉલટફેર કરી દીધો છે. મંગળવારે(30 જૂન) બોસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી મેચનો નિર્ધારિત સમય 1-1 ની બરાબરી પર સમાપ્ત થયો હતો. ત્યારબાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો.
ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં જર્મની અગાઉ ક્યારેય પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું નહોતું. આ વખતે પણ ટીમે અંત સુધી સંઘર્ષ કર્યો. અનુભવી ગોલકીપર મેન્યુઅલ ન્યુઅરે શાનદાર બચાવ કરીને જર્મનીની આશાઓ જીવંત રાખી હતી, પરંતુ અંતે પેરાગ્વેએ પોતાની તકનો લાભ ઉઠાવીને અંતિમ-16માં સ્થાન મેળવી લીધું.
મેચની 42મી મિનિટે જુલિયો એન્સિસોએ ગોલ કરીને પેરાગ્વેને 1-0 ની સરસાઈ અપાવી હતી. બીજા હાફમાં ફ્લોરિયન વિર્ટ્ઝના ક્રોસ પર કાઈ હેવર્ટ્ઝે હેડર દ્વારા ગોલ કરીને સ્કોર 1-1 કર્યો હતો. આ પછી જોનાથન ટાહે પણ હેડરથી ગોલ કર્યો હતો, પરંતુ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમય સુધી અન્ય કોઈ ગોલ ન થતા મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી.
શૂટઆઉટની શરૂઆત જર્મનીએ કરી હતી, પરંતુ કાઈ હેવર્ટ્ઝની પ્રથમ પેનલ્ટીને પેરાગ્વેના ગોલકીપરે રોકી દીધી હતી. આ પછી મોરિસીઓએ ગોલ કરીને પેરાગ્વેને સરસાઈ અપાવી હતી. જોકે, જોશુઆ કિમ્મિચે આગામી પેનલ્ટી પર ગોલ કરીને જર્મનીની વાપસી કરાવી હતી.
ત્યારબાદ ગુસ્તાવુ ગોમેઝે ગોલ કરીને પેરાગ્વેને 2-1 થી આગળ કર્યું હતું, પરંતુ જમાલ મુસિયાલાએ શાનદાર શોટ લગાવીને સ્કોર 2-2 કરી દીધો હતો. રોમાંચ ત્યારે વધ્યો જ્યારે મટિયાસ ગેલાર્ઝાએ ગોલ કરીને પેરાગ્વેને જીતની નજીક પહોંચાડ્યું હતું, જ્યારે જર્મની માટે નિક વોલ્ટેમેડનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જોકે, ચાર વખતની ચેમ્પિયન ટીમ મુકાબલામાં બની રહી કારણ કે એન્ટોનિયો સનાબ્રિયાનો મેચ-વિનિંગ શોટ રોકી દેવામાં આવ્યો હતો, જેનાથી નાદિમ અમીરીને તક મળી અને તેણે સ્કોર 3-3 કર્યો હતો.
ત્યારબાદ પેરાગ્વેના ફેબિયન બાલબુએનાની પેનલ્ટીને પણ મેન્યુઅલ ન્યુઅરે રોકીને જર્મનીની આશા જાળવી રાખી હતી. પરંતુ પેરાગ્વેએ ત્રીજી તક ગુમાવી નહોતી. જોસે કનાલેએ દબાણ વચ્ચે શાનદાર પેનલ્ટી લગાવીને પોતાની ટીમને જીત અપાવી અને જર્મનીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. આ જીત સાથે કોચ ગુસ્તાવુ અલ્ફારોના નેતૃત્વમાં પેરાગ્વેએ અંતિમ-16માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, જ્યારે ચાર વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીનો પ્રવાસ રાઉન્ડ ઓફ 32 માં જ સમાપ્ત થયો છે.
