ભુતાનની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ફરી એકવાર સત્તામાં
Live TV
-
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ભૂટાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીત સાથે સત્તામાં પરત ફરી છે. ભૂટાનમાં મંગળવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ સૌથી વધુ બેઠકો જીતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂટાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ શેરિંગ તોબગે અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને અભિનંદન આપ્યા હતા.
પીએમ મોદીએ 9 જાન્યુઆરીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ x પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "ભૂતાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ મારા મિત્ર શેરિંગ તોબગે અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને હાર્દિક અભિનંદન. મિત્રતા અને સહયોગના અમારા અનોખા સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ." ભુતાનમાં 9 જાન્યુઆરીએ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ સૌથી વધુ બેઠકો જીતી છે. લોકોને આશા છે કે નેતા હિમાલયના દેશમાં આર્થિક સંકટને દૂર કરવાના વચનો પૂરા કરશે.
રાષ્ટ્રીય પ્રસારણકર્તા, ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના ડેટા અનુસાર, પીડીપીએ 47 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 30 બેઠકો જીતી છે જ્યારે ભૂટાન ટેન્ડરલ પાર્ટીએ 17 બેઠકો જીતી છે. 2008માં પરંપરાગત રાજાશાહીમાંથી સંસદીય સરકારમાં સંક્રમણ બાદ ભૂટાનમાં આ ચોથી રાષ્ટ્રીય ચૂંટણી છે. ભૂટાનનું ચૂંટણી પંચ બુધવારે અંતિમ પરિણામો જાહેર કરશે. ભૂટાનમાં ચૂંટણી પ્રચારમાં આર્થિક સંકટ મુખ્ય મુદ્દો હતો. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભુતાનમાં વિકાસ દર 1.7 ટકા રહ્યો છે. બેરોજગારીના કારણે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને નોકરીની શોધમાં યુવાનોનું સ્થળાંતર દેશની આર્થિક ક્ષમતાને નબળું પાડી રહ્યું છે.
ભારત અને ભૂતાન અપવાદરૂપે સૌહાર્દપૂર્ણ અને વિશેષ સંબંધો ધરાવે છે જે પરસ્પર વિશ્વાસ અને સમજણ પર આધારિત છે. મુલાકાતોનું નિયમિત આદાન-પ્રદાન, ગાઢ પરામર્શ અને બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી સહયોગ ભૂટાન સાથેના સંબંધોની આધારશિલા બનાવે છે. પીએમ મોદીએ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ભૂટાનને પસંદ કર્યું હતું. 15 જૂન 2014ના રોજ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભૂતાન એ દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ના સાત સ્થાપક દેશોમાંનો એક છે.