મૃત્યુ અને વિનાશ: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં મૃત્યુઆંક 1100ને પાર
Live TV
-
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઝડપથી વધી રહેલા સંઘર્ષમાં, મૃત્યુઆંક 1,100 ને પાર કરી ગયો છે. બંને દેશ એકબીજા પર સતત હવાઈ હુમલો કરી રહ્યા છે. શ્રેણીબદ્ધ હવાઈ હુમલાઓથી બંને દેશના શહેર અને ગામે ગામ ધણધણી ઉઠ્યા છે. યુદ્ધના કારણે મધ્ય પૂર્વના દેશો સહિત વિશ્વભરમાં ચિંતાનો માહોલ છવાયો છે,.
કેવી રીતે શરૂ થયું યુદ્ધ ?
હમાસના એક ઇસ્લામિક જૂથે, શનિવારે ઇઝરાયલી નગરો પર ઘાતક હુમલો કર્યો, જેના પરિણામે 700 ઇઝરાઇલી નાગરિકોના મૃત્યુ અને સેંકડો લોકો ઘાયલ થયેલા છે. અનેક ઈઝરાયલી નાગરિકો અને અધિકારીઓનું અપહરણ કરી બંધક પણ બનાવાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જવાબમાં, ઇઝરાયલે ગાઝા પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલાઓ શરૂ કર્યા, જેમાં હાઉસિંગ બ્લોક્સ, ટનલ, એક મસ્જિદ અને હમાસ અધિકારીઓના ઘરોને નિશાન બનાવ્યા. જેના પરિણામે હમાસમાં 20 બાળકો સહિત 400 થી વધુ લોકોના દુ:ખદ મૃત્યુ થયા હતા. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ "શક્તિશાળી બદલો" લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઇઝરાયેલી લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે જણાવ્યું હતું કે ઓપરેશન માટે લગભગ 100,000 સૈનિકોને બોલાવવામાં આવ્યા છે. હમાસે ઇઝરાયલમાં રોકેટ સલ્વોસ છોડવાનું ચાલુ રાખ્યું, જેનાથી તણાવમાં વધારો થયો. ઇઝરાયલે ગાઝાની આસપાસ હજારો સૈનિકો તૈનાત કરીને જવાબ આપ્યો, તેઓએ ઈઝરાયલ સરહદ નજીકના વિસ્તારોમાંથી ઇઝરાયલી નાગરિકોને બહાર કાઢવાનું પણ શરૂ કર્યું હતું. બંને વચ્ચે ચાલતા ભીષણ યુદ્ધમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
યુદ્ધની વૈશ્વિક અસર
આ હિંસક યુદ્ધની વૈશ્વિક અસર થઈ છે, જેના કારણે ઓઈલ માર્કેટમાં અસ્થિરતા ઉભી થઈ છે. કારણ કે ઈરાન તરફથી પુરવઠામાં સંભવિત વિક્ષેપ અંગે ચિંતા વધી રહી છે. સંઘર્ષના પ્રતિભાવમાં તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $88.76 સુધી પહોંચી ગયું. અશાંતિને કારણે અનેક આંતરરાષ્ટ્રીય એર કેરિયર્સ દ્વારા તેલ અવીવની વિમાની સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વિશ્વના કેટલાક દેશમાં ક્યાંક ઈઝરાયેલ તો ક્યાંક પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી હતી.
વૈશ્વિક નેતાઓ ઇઝરાયલના સમર્થનમાં એક થયા
રવિવારે, યુએસ પ્રમુખ જો બાઈડને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. અમેરિકાએ ઈઝરાયલને જરૂરી મદદ મોકલવાની તૈયારી પણ દર્શાવી હતી. બ્રિટને પણ હમાસે કરેલા હુમલાની નિંદા કરી છે અને ઈઝરાયલને સમર્થન જાહેર કર્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને કહ્યું છે કે મુશ્કેલીના સમયમાં ભારત ઈઝરાયલની સાથે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ઇઝરાયલને કેનેડાના અતૂટ સમર્થનની પુષ્ટિ કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ ઈઝરાયલના સમર્થનની ઘોષણા કરી હતી. યુરોપિયન યુનિયન અને યુનાઈનેડ નેશન્સ સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઈઝરાયલની મદદ માટે આગળ આવી છે. ગાઝામાં જરૂરી ચીજવસ્તુઓ માટે માનવતાવાદી કોરિડોર બનાવવા માટે હાકલ કરી છે. તો ઈરાને પણ સંયુક્ત રાષ્ટ્રમાં સ્પષ્ટતા કરી હતી કે અમે પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉભા છીએ. પરંતુ ઇઝરાયલના ઇતિહાસના સૌથી લોહિયાળ હુમલાઓમાં હમાસ સાથે તેહરાન સામેલ નથી.
બંધ બારણે UNની બેઠક !
આ તરફ ઇઝરાયલ-હમાસ યુધ્ધ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બંધ બારણે ઈમરજન્સી બેઠક મળી હતી. અમેરિકાએ 15 સભ્યોને હમાસની કડક નિંદા કરવા આહવાન કર્યુ હતુ. જોકે રાજનિતિજ્ઞોનું કહેવુ છે કે, રશિયાના દબાણ હેઠળ રહેલા સભ્યોએ પેલેસ્ટીની સશસ્ત્રદળની નિદા કરવાને બદલે તેના પર ફોકસ કરવાનું કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના મધ્ય પૂર્વના શાંતિ દુત ટોર વેટલેન્ડની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક આશરે 90 મીનિટ ચાલી હતી.
