મ્યાનમારની વ્હારે ભારત, ઑપરેશન બ્રહ્મા હેઠળ ભૂકંપગ્રસ્તોની મદદ માટે મોકલી એન્જિનિયર-ડૉકટરની ટીમ
Live TV
-
મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે 'ઑપરેશન બ્રહ્મા' હેઠળ માનવતાવાદી સહાય વધારી છે. આ અભિયાન હેઠળ, ભારતીય ઇજનેરોની એક ટીમે માંડલે અને રાજધાની નાયપીડોમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોનો ઝાયજો લીધો. ભારતની એક તબીબી ટીમે નાયપીડોની એક હોસ્પિટલમાં 70 ઘાયલોની સારવાર કરી, જેમાં એક ઓર્થોપેડિક નિષ્ણાતનો પણ સમાવેશ છે.
ભારતીય દૂતાવાસ યાંગોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, "ઑપરેશન બ્રહ્મા હેઠળ અમારી એન્જિનિયરિંગ ટીમે માંડલેમાં છ અસરગ્રસ્ત સ્થળો અને નાયપીડોમાં છ સ્થળોનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત, અમારી મેડિકલ ટીમના ઓર્થોપેડિક સર્જનોએ નાયપીડો હોસ્પિટલમાં 70 ઘાયલોની સારવાર કરવામાં મદદ કરી."
મ્યાનમારના રાષ્ટ્રીય સલાહકારે ભારતનો આભાર માન્યો
અગાઉ, મ્યાનમારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મો આંગે ભારતીય રાજદૂત અભય ઠાકુરને મળ્યા હતા અને ભારતની ઝડપી સહાય માટે આભાર માન્યો હતો. બંનેએ સુરક્ષા અને દ્વિપક્ષીય સહયોગ અંગે પણ ચર્ચા કરી. થોડા દિવસો પહેલા મ્યાનમારના વડા પ્રધાન અને રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગે ભારતમાં ફિલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં અત્યાર સુધીમાં 800થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ ભારતે 'ઑપરેશન બ્રહ્મા' શરૂ કર્યું હતું, જે હેઠળ શોધ અને બચાવ, રાહત સામગ્રી અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ભારતે આ કામગીરીમાં અત્યાર સુધીમાં 6 વિમાનો અને 5 નૌકાદળના જહાજો દ્વારા 625 ટન રાહત સામગ્રી મોકલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મિન આંગ હ્લેઇંગને ભારત તરફથી સંવેદના અને સહાયની ખાતરી આપી હતી. બંને નેતાઓ 4 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC પરિષદ દરમિયાન પણ મળ્યા હતા.
ત્યારબાદ 5એપ્રિલના રોજ, ભારતે INS ઘરિયાલ દ્વારા 444 ટન વધારાની ખાદ્ય ચીજવસ્તુઓ (ચોખા, તેલ, નૂડલ્સ અને બિસ્કિટ) મ્યાનમાર મોકલ્યા. આ સામગ્રી થિલાવા બંદર પર મ્યાનમારના યાંગોનના મુખ્યમંત્રી યુ સો થીનને સોંપવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ભૂકંપ પીડિતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, ભારતે મ્યાનમારને મોટી માત્રામાં ખાદ્ય સહાય મોકલી છે.