યુએસ સેન્ટકોમનો ઈરાની તેલ ટેન્કર પર હુમલો કર્યાનો દાવો કર્યો, ઓમાનના અખાતમાં જહાજ ડૂબ્યું
Live TV
-
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુએસ સૈન્ય દ્વારા ઈરાનના એક તેલ ટેન્કર પર સચોટ હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઈરાનનું એમ/ટી કાઈલો નામનું જહાજ સંપૂર્ણપણે નાશ પામીને દરિયાની તળિયે ગરકાવ થઈ ગયું છે.
સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, "અમેરિકી સૈનિકોની સચોટ કાર્યવાહી અને વ્યાવસાયિક કુશળતાના કારણે, એમટી કાઈલો ઓમાનના અખાતમાં ડૂબી ગયું છે અને દરિયાના તળિયે ઈરાની નૌકાદળ સાથે જોડાઈ ગયું છે.
'આ યુદ્ધ નથી, માત્ર સૈન્ય સંઘર્ષ છે' – ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ નજીક અવારનવાર હુમલાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવ વ્યાપેલો છે. ઉપપ્રમુખ જે.ડી. વેન્સ દ્વારા આ તણાવને 'યુદ્ધ' ન ગણાવવા અંગે પૂછવામાં આવતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, "ઘણા લોકો આને યુદ્ધ નથી કહેતા. હું આને સૈન્ય સંઘર્ષ કહું છું, કારણ કે અમારા માટે આ કોઈ બહુ મોટી ઘટના નથી."
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ પર વોશિંગ્ટનનું સંપૂર્ણ નિયંત્રણ છે અને અમેરિકાએ તેહરાનને પરમાણુ હથિયારો મેળવતા રોક્યું છે.
નવા હુમલા માટે યુએસ સેના તૈયાર
મંગળવારે રાત્રે ઈરાન પર થયેલા મોટા હુમલામાં 18 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ ટ્રમ્પે ચીમકી આપતા જણાવ્યું હતું કે, અમેરિકી સેના જ્યારે ઈચ્છે ત્યારે ઈરાન પર નવા હુમલા કરવા માટે પૂરી રીતે તૈયાર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે યુએસ સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ ઈરાન દ્વારા તાજેતરમાં ગોઠવવામાં આવેલા તમામ નવા લશ્કરી સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.
