સિડની એરપોર્ટ પરથી 55 કરોડના 20 કિલો હેરોઈન સાથે એક મુસાફરની ધરપકડ
Live TV
-
ઓસ્ટ્રેલિયન પોલીસે થાઈલેન્ડથી દેશમાં 20 કિલો હેરોઈનની દાણચોરી કરવાના કથિત પ્રયાસ બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ (ABF) અને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) એ બુધવારે જણાવ્યું હતું કે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનો એક 26 વર્ષીય યુવક 24 જાન્યુઆરીએ બેંગકોકથી ફ્લાઇટ દ્વારા સિડની એરપોર્ટ પર પહોંચ્યો હતો. આગમન સમયે શંકાના આધારે તેના સામાનની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, ABF અધિકારીઓને વેક્યૂમ-સીલ કરેલી 34 બેગ મળી આવી હતી, જેમાં કુલ 20 કિલો હેરોઈન ભરેલું હતું. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ હેરોઈનની અંદાજિત કિંમત 1 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹55 કરોડથી વધુ) છે. જો આ જથ્થો બજારમાં પહોંચ્યો હોત, તો તેનાથી અંદાજે 1,00,000 જેટલા સ્ટ્રીટ ડિલ્સ (છૂટક વેચાણ) થઈ શક્યા હોત.
AFP અધિકારીઓએ આ મામલે 26 વર્ષીય યુવકની ધરપકડ કરી તેના પર પ્રતિબંધિત ડ્રગ્સની વ્યાપારી માત્રામાં આયાત કરવાનો ગુનો નોંધ્યો છે. આ ગુનામાં મહત્તમ આજીવન કેદની સજાની જોગવાઈ છે. એએફપી ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ મોર્ગન બ્લન્ડને જણાવ્યું હતું કે, આ ઘટના દર્શાવે છે કે સંગઠિત ગુનાહિત જૂથો નફા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસના માર્ગોનો કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, અગાઉ 8 ડિસેમ્બરના રોજ પણ સિડની એરપોર્ટ પરથી થાઈલેન્ડથી આવેલા એક ન્યુઝીલેન્ડના નાગરિક પાસેથી 21 કિલો હેરોઈન ઝડપાયું હતું. તે કેસમાં પણ આરોપી પર આજીવન કેદનો ખતરો મંડરાઈ રહ્યો છે.
