હોર્મુઝ કટોકટીની વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર: યુએન ચીફ
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં જહાજોની સુરક્ષિત અવરજવર ખોરવાવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. યુએન ચીફ ઉપરાંત સિંગાપોરના વડાપ્રધાન અને યુરોપિયન યુનિયન (EU) એ પણ આ બાબતે સમાન ચિંતા વ્યક્ત કરી છે.
વૈશ્વિક અર્થતંત્ર "દમ તોડી રહ્યું છે": ગુટેરેસ
એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ જળમાર્ગમાં અવરોધ ઊભો થવાને કારણે ઉર્જા, પરિવહન, ઉત્પાદન અને ખાદ્ય બજારો પ્રભાવિત થઈ રહ્યા છે, જેના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર "દમ તોડી રહ્યું છે." મધ્ય-પૂર્વની કટોકટી પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું, "દરેક પસાર થતા કલાક સાથે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે." તેમણે તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે.શા માટે મહત્વનું છે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંનો એક છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. આ માર્ગમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ આંતરરાષ્ટ્રીય બજારો અને સપ્લાય ચેઈન પર વ્યાપક અસર કરી શકે છે.યુરોપિયન યુનિયન અને સિંગાપોરની ચેતવણી
યુરોપિયન યુનિયન: EU ના વિદેશ નીતિ પ્રમુખ કાયા કલાસે જણાવ્યું કે હોર્મુઝમાં વધતો તણાવ અત્યારે ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. આ પરિસ્થિતિનો સીધો ફાયદો રશિયાને થઈ રહ્યો છે.સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે ચેતવણી આપી છે કે ઈરાન પરના યુદ્ધને કારણે આ વર્ષે આર્થિક વિકાસ ધીમો પડી જશે. તેમણે ઉમેર્યું કે, "આ યુદ્ધ જલ્દી ખતમ થાય તેવી આશા નથી. ઉર્જા અને અન્ય જરૂરી પુરવઠા માટે આપણે ખાડી દેશો પર નિર્ભર છીએ, તેથી આપણને સીધી અસર થશે."
મોંઘવારી અને મંદીનું જોખમ
વોંગે આશંકા વ્યક્ત કરી કે વિશ્વભરમાં મોંઘવારી વધશે. ઉર્જાથી લઈને ખાદ્ય ચીજો અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી શકે છે. કેટલાક દેશો મંદીનો સામનો કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જો હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલી જાય, તો પણ સ્થિતિ સામાન્ય થતા સમય લાગશે કારણ કે બંદરો અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે અને શિપિંગ લેનમાંથી માઈન્સ દૂર કરવી પડશે.
