7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રૂજ્યું ઈન્ડોનેશિયા, સુનામીનો ભય યથાવત
Live TV
-
દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં 47 લોકો માર્યા ગયા અને 20 થી વધુ ઘાયલ થયા. આ કુદરતી આફતને કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ અને સેંકડોને નુકસાન થયું અથવા તિરાડો પડી ગઈ. બીજી તરફ, ઉત્તરી સુમાત્રામાં 6.4 ની તીવ્રતાનો, બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
અસરગ્રસ્ત વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા. એક મીટર ઊંચા મોજા દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી રહ્યા હતા, જેના કારણે કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી, પરંતુ સુનામીનો ભય હજુ પણ ટકી રહ્યો છે. ભૂકંપથી બંદર શહેર મૌમેરે સૌથી વધુ પ્રભાવિત થયું હતું, જેમાં 20 લોકો માર્યા ગયા, છ ઘાયલ થયા અને બે હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે.
ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા સુહર્યંતોએ જણાવ્યું હતું કે આશરે 2,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ક્ષતિગ્રસ્ત ઇમારતોના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલન અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને કારણે બચાવ ટીમો ભૂકંપથી પ્રભાવિત ઘણા વિસ્તારોમાં પહોંચી શકી નથી. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારોમાં ટીમો મોકલવાના પ્રયાસો ચાલુ છે.
ભૂકંપગ્રસ્ત નાગેકો વિસ્તારમાં મોટી સંખ્યામાં ઘરોને નુકસાન થયું છે. બે હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. લોકો ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં જવાનું ટાળી રહ્યા છે.
અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો ઘાયલ લોકોથી ઉભરાઈ રહી છે, અને પીડિતોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1992માં પણ આ જ વિસ્તારમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું.
