G20 સમિટમાં PM મોદી અને મેલોની મળ્યા, અભિવાદન કરી એકબીજાના ખબરઅંતર પૂછ્યા
Live TV
-
બંને નેતાઓએ સ્મિત અને નમસ્તે સાથે એકબીજાનું સ્વાગત કર્યું અને હાથ મિલાવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ઇટાલી મિત્રતા નોંધપાત્ર રીતે વિકસી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટને પગલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ તેમના આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જયારે G20 સમિટમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓએ સ્મિત અને નમસ્તે સાથે એકબીજાનું સ્વાગત કર્યું અને હાથ મિલાવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ઇટાલી મિત્રતા નોંધપાત્ર રીતે વિકસી છે.
ભારત-ઇટાલી વચ્ચે ગાઢ મિત્રતા
અગાઉ, PM મોદી જૂન 2025માં કેનેડાના કનાનાસ્કિસમાં 51મા G7 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મળ્યા હતા. ત્યાં, બંને નેતાઓએ ભારત અને ઇટાલી વચ્ચે સહયોગ અને સંબંધોને મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. સપ્ટેમ્બરમાં, PM મોદીએ ઇટાલીના વડાપ્રધાનને એક અસાધારણ રાજકારણી ગણાવ્યા હતા. તેમણે મેલોનીની આત્મકથાને "મન કી બાત" અથવા હૃદયમાંથી નીકળેલા વિચારો તરીકે પણ વર્ણવી હતી. હકીકતમાં, ઇટાલીના PM મેલોનીની આત્મકથાનું શીર્ષક "આઈ એમ જ્યોર્જિયા" છે. પુસ્તકની પ્રસ્તાવનામાં, PM મોદીએ ભારત અને ઇટાલી વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો, જે "વહેંચાયેલા સાંસ્કૃતિક મૂલ્યો - વારસાનું સંરક્ષણ, સમુદાયની શક્તિ અને પ્રેરણા તરીકે સ્ત્રીત્વની ઉજવણી" પર આધારિત છે. PM મેલોનીએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો હજુ પણ ખૂબ જ મજબૂત છે.
ઇટાલિયન સમાચાર એજન્સી એડનક્રોનોસ અનુસાર, મેલોનીએ કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેમનો હું ખૂબ આદર કરું છું, તેમણે 'આઈ એમ જ્યોર્જિયા' પુસ્તકની ભારતીય આવૃત્તિની પ્રસ્તાવનામાં જે શબ્દો કહ્યા હતા તે મને ખૂબ જ સ્પર્શી ગયા છે. આ શબ્દો મને સન્માન આપે છે. આ એવી લાગણીઓ છે જેનો હું મારા હૃદયથી આદર કરું છું, અને તે આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે."
આ દરમિયાન, ઇટાલીના વડાપ્રધાને પીએમ મોદીનો 75મા જન્મદિવસ પર અભિનંદન આપતો ફોટો શેર કર્યો હતો. પીએમ મોદીએ મેલોનીનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો અને ભારત-ઇટાલી સંબંધો વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી. પીએમ મોદીએ 10 સપ્ટેમ્બરના રોજ મેલોની સાથે ટેલિફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મેલોનીએ 2026માં ભારત દ્વારા આયોજિત થનારા AI ઇમ્પેક્ટ સમિટની સફળતા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
