PM મોદીએ જેડી વાન્સને US ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા
Live TV
-
પેરિસમાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આયોજિત સ્ટેટ ડિનર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા. વોશિંગ્ટનની આગામી મુલાકાત પહેલાં ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના નેતૃત્વ સાથે આ તેમની પ્રથમ મુલાકાત હતી.
ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી USનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વોશિંગ્ટનની મુલાકાત લેશે. આ દરમિયાન PM મોદીએ જેડી વાન્સને ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા અને તેમની સાથે ઉષ્માભર્યા હાથ મિલાવતા કહ્યું, “અભિનંદન. શાનદાર જીત.”
પ્રધાનમંત્રી કાર્યાલયે વાતચીતની તસવીરો શેર કરી અને કહ્યું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોન અને યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી. ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી, PM મોદી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વોશિંગ્ટનની મુલાકાત લેશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
અમેરિકાની મુલાકાત પહેલાં, પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમના સહયોગને યાદ કર્યો. તેમણે કહ્યું કે ટ્રમ્પ સાથે આ તેમની પહેલી મુલાકાત હશે પરંતુ તેમના પહેલાં કાર્યકાળ દરમિયાન સાથે કામ કરવાની તેમની યાદો મીઠી છે. પીએમ મોદીએ કહ્યું, કે આ મુલાકાત ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને વેપાર, સંરક્ષણ, ઉર્જા અને પુરવઠા શૃંખલા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તક બનશે.
તાજેતરમાં અમેરિકામાં કેટલાક નીતિગત ફેરફારો થયા છે, જેની અસર ભારતીય નાગરિકો પર પણ પડી શકે છે. આમાં વિઝા અને સ્થળાંતર સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. PM મોદી અને ટ્રમ્પ વચ્ચે આ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
આ ઉપરાંત, વેપાર નીતિઓ, સંરક્ષણ સહયોગ અને વૈશ્વિક સુરક્ષા પડકારો પર પણ ચર્ચા કરવામાં આવશે. ગયા મહિને, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં ટ્રમ્પે ભારત પાસેથી અમેરિકાની સંરક્ષણ ખરીદી વધારવા અને વેપાર સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ ક્વાડ એલાયન્સ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.