આજે છે એકતા અને સાંસ્કૃતિક સમૃદ્વીનો તહેવાર ઓણમ
Live TV
-
10 દિવસ સુધી ચાલનારા ઓણમની ઉજવણી માટે કેરલ અને તમિલનાડુના લોકોમાં ઉત્સાહનો માહોલ
દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં ઓણમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારનો છેલ્લો દિવસ ખૂબ જ ખાસ હોય છે, જેને તિરુવોનમ કહેવામાં આવે છે. તિરુવોનમ બે શબ્દો થી બનેલ છે, તિરુ અને ઓણમ. તિરુ એટલે પવિત્ર અને ઓણમએ તહેવારનું નામ છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના વામન અવતાર અને મહાબલી નામના રાજાને સમર્પિત છે.
ઓણમ વિશે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આ જ કારણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરને રંગોળી, ફૂલોથી શણગારે છે. આ સાથે રસમ, ચાડી, પુલિસેરી, ખીર વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ ઘરે બનાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તમામ નાગરિકોને, ખાસ કરીને કેરળના લોકોને ઓણમના અવસર પર શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર લણણીની મોસમની શરૂઆત દર્શાવે છે અને કેરળની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું અનોખું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, આ તહેવાર પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક અવસર છે અને તમામ લોકો દ્વારા તેમની ધાર્મિક અને જ્ઞાતિની ઓળખને ધ્યાનમાં લીધા વિના આ તહેવારની ઉજવણી સામાજિક સમરસતાનો સંદેશ પણ આપે છે.
તેમના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઓણમ એ એકતા, લણણી અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો તહેવાર છે, જે સમુદાયોને પરંપરાના બંધનમાં બાંધે છે. તેમણે કહ્યું કે આ ઉત્સવ ખેડૂત સમુદાયના અથાક પ્રયત્નોને સન્માનિત કરવાનો અને કુદરતના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક પ્રસંગ છે.
