આજે બુદ્ધ પૂર્ણિમાનો પાવન અવસર, રાષ્ટ્રપતિ સહિતનાઓએ પાઠવી શુભકામનાઓ
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
દેશભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ ટ્વિટર પર લખ્યું કે, "બુદ્ધ પૂર્ણિમાના આ શુભ અવસર પર, હું વિશ્વભરના તમામ દેશવાસીઓ અને ભગવાન બુદ્ધના અનુયાયીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
મહાત્મા બુદ્ધનો અહિંસા, પ્રેમ, કરુણાનો સંદેશ સમગ્ર માનવતાના કલ્યાણની ચાવી
કરુણાના પ્રતીક સમાન મહાત્મા બુદ્ધનો અહિંસા, પ્રેમ અને કરુણાનો સંદેશ, સમગ્ર માનવતાના કલ્યાણ માટેનો મૂળ મંત્ર છે. તેમના આદર્શો સમાનતા, સંવાદિતા અને ન્યાય જેવા શાશ્વત મૂલ્યોમાં આપણી શ્રદ્ધાને મજબૂત બનાવે છે. તેમના ઉપદેશો આપણને બધાને નૈતિક મૂલ્યો પર આધારિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. ચાલો આપણે બધા મહાત્મા બુદ્ધના ઉપદેશોને અપનાવીએ અને આપણા જીવનમાં નૈતિકતાનું પાલન કરીને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં યોગદાન આપીએ.
ભગવાન બુદ્ધનો અહિંસા અને કરુણાનો સંદેશ આજના વિશ્વમાં પહેલા કરતાં વધુ સુસંગત: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ટ્વિટર પર બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી અને લખ્યું કે, “બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર દિવસ ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને મહાપરિનિર્વાણને ચિહ્નિત કરે છે, જેમનું ગહન જ્ઞાન પડકારજનક સમયમાં આપણા માટે ધ્રુવ તારા તરીકે કામ કરે છે. ભગવાન બુદ્ધનો અહિંસા અને કરુણાનો સંદેશ આજના વિશ્વમાં, વ્યક્તિ અને સમગ્ર માનવતા બંને માટે પહેલા કરતાં વધુ સુસંગત છે. ચાલો આપણે ગૌતમ બુદ્ધ દ્વારા ઉપદેશિત મહાન સિદ્ધાંતો પ્રત્યે પોતાને ફરીથી પ્રતિબદ્ધ કરીએ અને તેમના ઉપદેશોનો પ્રકાશ આપણને બધા માટે વધુ શાંતિપૂર્ણ, કરુણાપૂર્ણ અને સુમેળભર્યા સમાજના નિર્માણ તરફ માર્ગદર્શન આપે.”
મહાત્મા બુદ્ધનું જીવન વિશ્વ સમુદાયને કરુણા-શાંતિ તરફ પ્રેરણા આપશે: PM
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર લખ્યું કે, "બુદ્ધ પૂર્ણિમાની તમામ દેશવાસીઓને શુભકામનાઓ. સત્ય, સમાનતા અને સંવાદિતાના સિદ્ધાંતો પર આધારિત ભગવાન બુદ્ધના સંદેશા માનવતા માટે માર્ગદર્શક રહ્યા છે. બલિદાન અને તપસ્યા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા વિશ્વ સમુદાયને કરુણા અને શાંતિ તરફ પ્રેરણા આપશે."