આજે વિશ્વ મહાસાગર દિવસ, જાણો આ દિનનું મહત્ત્વ અને ઇતિહાસ
Live TV
-
દર વર્ષે 8 જૂનનાં રોજ વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાની શરૂઆત 8 જૂન 1992ના રોજ બ્રાઝિલના રિઓ ડી જાનેરો ખાતે મળેલી અર્થ સમિટથી થઇ હતી. સમુદ્ર પૃથ્વીની સપાટીના લગભગ 71 ટકા ભાગને આવરી લે છે. વર્ષે 2021 માટેની થીમ છે 'મહાસાગર - જીવન અને આજીવિકા'. આ દિવસને ઉજવવા પાછળનું કારણ માનવ જીવનમાં સમુદ્રનું મહત્વ સમજાવવાનો અને તેના અંદર રહેલા જીવોનું રક્ષણ કરવા માટે લોકજાગૃતિ લાવવાનો છે. આપણે વાતાવરણમાં ઘણો કચરો ઠાલવ્યો છે. જ્યારે આપણે સમુદ્ધ કિનારે ફરવા માટે જઈએ છે તો ખાણી પીણી, પાણીની પ્લાસ્ટિકની બોટલો અને એવી ઘણી ચીજો ત્યાં ફેંકી દઈએ છીએ. તેથી કિનારા પર કચરો એકત્રિત થાય છે અને સમુદ્ધ કિનારાની સાથે-સાથે તેમાંની જીવ સૃષ્ટિને પણ હાનિ પહોંચે છે, તેથી આપણે જ્યારે પણ આવા કોઈ સ્થળે જઈએ તો ત્યાં પ્રદુષણ ન ફેલાવીએ અને સ્વચ્છતા જાળવીએ. સમુદ્ર અને તેના સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.
ગુજરાતના દરિયા કિનારાની વાત કરીએ તો ગુજરાતની પાસે પણ સૌથી મોટો દરિયા કિનારો છે. અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમૃધ્ધ દરિયાકાંઠા પણ અહીં આવેલા છે. રાજ્યના તમામ સમૃદ્ર કિનારા પ્રવાસીઓને આકર્ષે છે. દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. બ્લુ ફ્લેગ દુનિયાનાં સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે. જેમાં પર્યાવરણ, ન્હાવાનાં પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને અહી લટાર મારવા માટે મજબૂર કરે છે.
