આરોગ્ય મંત્રી અને ભારતના WHO પ્રતિનિધિની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક
Live TV
-
કોરોના સામે કેન્દ્ર સરકારના અસરકારક પ્રયાસોનું મળી રહ્યું છે પરિણામ, દેશમાં 163 દિવસ બાદ સક્રિય કેસો 3 લાખથી ઓછા થયા. રિકવરી રેટ વધીને 95.65 ટકા થયો. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં નવા વાયરસના સંક્રમણના કોઈ કેસ મળ્યા નથી.
યુરોપના દેશોમાં કોરોના સંક્રમણનો વ્યાપ ફરી વધવા લાગ્યો છે. તેને જોતા ફાઈઝર વેક્સિનને યુરોપિયન સંઘે મંજૂરી આપી દીધી છે. સાથે જ અમેરિકન પ્રતિનિધિ સભાએ 892 બિલિયન ડૉલરના કોરોના વાયરસ રાહત પેકેજને પારિત કર્યું છે. આ તરફ ભારતમાં કો-વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલમાં 13 હજાર લોકો પર અસરકારક ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ત્રીજા ફેઝના ટ્રાયલમાં 26 હજાર જેટલા વોલિન્ટિયર સામેલ થયા છે. તો બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી, ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં WHOના ભારતના પ્રતિનિધિઓની ખાસ ઉપસ્થિતિમાં, બ્રિટનમાં જોવા મળેલા વાયરસના નવા સ્ટ્રેન મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને આ નવા સ્ટ્રેનથી ના ડરવા માટે અપીલ કરી હતી.
સાથે જ કહ્યું હતું કે, સરકાર હંમેશા બધી ગતિવિધિ પર ધ્યાન રાખી રહી છે અને આવનારી તમામ ચેતવણી માટે સતર્ક છે. આગામી જાન્યુઆરી મહિનામાં કોઈ પણ સમયે ભારતની જનતાને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. ત્યારે જો ભારતના આંકડા તરફ નજર કરીયે તો દેશમાં રિકવરી રેટ 95.65 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં, તે 1.45 ટકા થયો છે. એક્ટિવ કેસમાં દેશમાં હાલ કુલ 2 લાખ 92 હજાર 518 લોકો સંક્રમિત છે. જ્યારે અત્યાર સુધી 96 લાખ 36 હજાર 487 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો 1 લાખ 46 હજાર 111 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગ અને નીતિ આયોગની પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું, કે દેશમાં 16 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે. સક્રીય અને નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં કોરોના વાયરસમાં કુલ 17 ફેરફાર સામે આવી ચુક્યા છે. પરંતુ બ્રિટનમાં જોવા મળેલ વાયરસ મ્યુટેશન હજુ ભારતમાં જોવા મળ્યુ નથી.
