ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 76મા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યા
Live TV
-
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ પ્રબોવો મુખ્ય મહેમાન બનશે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું.
રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો તેમના ચાર દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે.
આ ઉપરાંત, તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત સમારોહમાં હાજરી આપશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી આ તેમની પહેલી ભારત મુલાકાત છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરવાની તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે.
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે, ઇન્ડોનેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.