જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલોમાં એક પર્યટકની મોતની આશંકા-12 ઘાયલ, ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી
Live TV
-
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યાની ઘટનામાં એક પ્રવાસીના મોતની આશંકા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ચાર લોકોની હાલત ગંભીર જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પહલગામમાં આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ જાણકારી મેળવી હતી. જ્યારે સમગ્ર ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ જરૂરી પગલા લેવા માટે સૂચના આપી છે. આ દરમિયાન અમિત શાહ જમ્મુ કાશ્મીર જવાની વાત સામે આવી છે. જ્યારે આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાઈલેવલની બેઠક બોલાવી છે.
જમ્મુ કાશ્મીરના પહલગામના બૈસરનમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં આતંકવાદીઓએ ઘોડેસવારી કરી રહેલા પર્યટકોના ગ્રુપને નિશાનો બનાવ્યો હતો. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનામાં કેટલાક ઘોડાને પણ ગોળીઓ વાગી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આતંકવાદીઓને ઝડપી પાડવા માટે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે CRPFએ ઘટનાસ્થળે વધારાની ક્વિક રિએક્શન ટીમો (QAT) મોકલવામાં આવી છે.
કાશ્મીરમાં કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં આતંકવાદ દેખાતો નથી. પહલગામ એક એવો વિસ્તાર છે. અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. માર્ચમાં થયેલી હિમવર્ષા પછી સેંકડો પ્રવાસીઓ અહીં સતત આવી રહ્યા છે. પહલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. જ્યાં પર્યટકો પર આતંકવાદીએ ગોળીબાર કરીને હુમલો કર્યો હતો.