જમ્મુ-કાશ્મીરમાંમાં વાદળ ફાટવાથી પૂર અને ભૂસ્ખલનમાં 20થી વધુ લોકોનાં મોત
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પુંછ આ બંને જોડિયા જિલ્લાઓમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને ઘાતક પૂરના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે, જેમાં ૨૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક લોકો લાપતા છે. આ કુદરતી કહેર વચ્ચે સેના, પોલીસ, એસડીઆરએફ (SDRF) અને સ્થાનિક નાગરિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પુંછ આ બંને જોડિયા જિલ્લાઓમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને ઘાતક પૂરના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે, જેમાં ૨૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક લોકો લાપતા છે. આ કુદરતી કહેર વચ્ચે સેના, પોલીસ, એસડીઆરએફ (SDRF) અને સ્થાનિક નાગરિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જમ્મુમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજીને પ્રભાવિત પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે દરેક વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી રવિવારથી લઈને સોમવાર સવાર સુધી સતત અડધી-અડધી કલાકે પરિસ્થિતિનો અહેવાલ મેળવતા રહ્યા હતા અને અધિકારીઓ તથા નાગરિકોના સંપર્કમાં રહીને આ દુઃખદ સમયમાં તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.
પુંછના સુરનકોટમાં સૌથી વધુ નુકસાન
પુંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં ઉપરવાસમાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરે ભારે તારાજી સર્જી હતી, જ્યાં 15 લોકો પાણીમાં તણાઈ ગયા કે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સેના, પોલીસ અને એસડીઆરએફના જવાનોએ સ્થાનિકોની મદદથી 8 મૃતદેહ શોધી કાઢ્યા છે, જ્યારે 8 અન્ય લોકો હજુ પણ લાપતા છે. સુરનકોટના મર્રાહ અને સાંગલા ગામમાં રહેણાંક મકાનો ધોવાઈ જતાં એક જ પરિવારના સભ્યો લાપતા થવાની અને મૃત્યુ પામ્યાની હ્રદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત પુંછના હાવેલી વિસ્તારમાં કાચા મકાનની છત ધરાશાયી થવાથી નાઝિયા કૌસર નામના મહિલાનું મોત નીપજ્યું હતું અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.રાજૌરીમાં બેલા કોલોની અને બસ સ્ટેન્ડ પર પ્રલય
રાજૌરી શહેરમાં રવિવારે વહેલી સવારે અંદાજે 2.45 વાગ્યે વાદળ ફાટવાથી સુખ્તો નદી અને અન્ય નાળાઓમાં આવેલા પૂરે ભારે વિનાશ વેરી દીધો હતો, જેમાં પિંકી દેવી નામના મહિલાનું મોત થયું હતું અને જલ શક્તિ વિભાગનો એક દૈનિક વેતનદાર કામદાર લાપતા છે. પૂરના પ્રકોપથી બેલા કોલોની પાસે નદીની રક્ષણાત્મક દીવાલ તૂટી જતાં ન્યૂ બેલા બસ સ્ટેન્ડ પર પાણી ફરી વળ્યા હતા. અહીં પાર્ક કરેલા અંદાજે 20 વાહનો પાણીમાં તણાઈ ગયા હતા અને અન્ય 40 જેટલા વાહનોને ભારે નુકસાન થયું હતું. આ સાથે જ અબ્દુલ્લા બ્રિજ અને તારિક બ્રિજ પાસેની ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાતા ૫૦થી વધુ પરિવારો બેઘર બન્યા છે અને તેમની જીવનભરની બચત નષ્ટ થઈ ગઈ છે.જમ્મુ, રાજૌરી અને પુંછ વિસ્તારોમાંથી પૂરગ્રસ્તોમાંથી આશરે ૪૫ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. બીજી તરફ, અસંખ્ય વીજળીના પોલ અને અડધો ડઝન જેટલા ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થવાથી થાનામંડી, દરહાલ, સુરનકોટ, મંડી અને હવેલી જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદ અને પૂરની આગાહી કરવામાં આવી હોવાથી, નદી અને નાળા કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને સાવચેત રહેવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે.
