'જાગૃત રહો, અફવાઓમાં ન આવો', પ્રધાનમંત્રી મોદીની દેશવાસીઓને અપીલ
Live TV
-
પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ભારત સામે આવેલી પડકારો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જાગૃત રહેવા અને અફવાઓથી બચવાની અપીલ કરી છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે સૌ મળીને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ખૂબ જ સારી રીતે બહાર આવી જઈશું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે કાર્યક્રમના 132મા એપિસોડમાં દેશવાસીઓને અપીલ કરતા કહ્યું, "તમે જાગૃત રહો, અફવાઓમાં ન આવો. સરકાર તરફથી જે તમને સતત માહિતી આપવામાં આવી રહી છે, તેના પર ભરોસો કરો અને તેના પર વિશ્વાસ કરીને જ કોઈ ડગલું ભરો."
તેમણે ઉમેર્યું, "મને દર વખતની જેમ આ વખતે પણ વિશ્વાસ છે કે જે રીતે આપણે દેશના 140 કરોડ દેશવાસીઓના સામર્થ્યથી જૂના સંકટોને હરાવ્યા હતા. આ વખતે પણ આપણે સૌ મળીને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ખૂબ જ સારી રીતે બહાર આવી જઈશું."
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માર્ચ મહિનો વૈશ્વિક સ્તરે ખૂબ જ હલચલભર્યો રહ્યો છે. આપણને સૌને યાદ છે કે આખું વિશ્વ ભૂતકાળમાં કોવિડને કારણે લાંબા સમય સુધી અનેક સમસ્યાઓમાંથી પસાર થયું હતું. આપણી સૌની અપેક્ષા હતી કે કોરોનાના સંકટમાંથી બહાર આવ્યા પછી દુનિયા નવા છેડેથી પ્રગતિના પથ પર આગળ વધશે, પરંતુ દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં સતત યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ સર્જાતી ગઈ.
પીએમ મોદીએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં ભારતીયોની મદદ માટે ખાડી દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાનમાં આપણા પડોશમાં એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા લાખો પરિવારોના સગા-સંબંધીઓ આ દેશોમાં રહે છે, ખાસ કરીને ખાડી દેશોમાં કામ કરે છે. હું ખાડી દેશોનો ખૂબ જ આભારી છું, તેઓ ત્યાં રહેતા એક કરોડથી વધુ ભારતીયોને દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છે.
