ડૉ. મનસુખ માંડવિયાએ આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 7 આઇપીએચએલ પ્રયોગશાળાઓનું ઉદઘાટન કર્યું
Live TV
-
નવી સુવિધાઓ તબીબી સેવાઓ પ્રાપ્ત કરવાની સરળતા વધારવામાં મદદ કરશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં 2 ક્રિટિકલ કેર બ્લોક્સ અને બીએસએલ-3 લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં સ્થાપિત થનારી 7 ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીઝનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે આંધ્રપ્રદેશ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી વિદાદાલા રજની પણ ઉપસ્થિત હતાં.
આ નવી સુવિધાઓ આંધ્રપ્રદેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે અને કોઈપણ આરોગ્ય કટોકટીના પડકારોને પહોંચી વળવામાં મદદ કરશે. આ કાર્યક્રમમાં પોતાનો આનંદ વ્યક્ત કરતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે બીએસએલ લેબોરેટરી, સાત ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ અને બે ક્રિટિકલ કેર બ્લોક્સ, એક વખત કાર્યરત થયા પછી, આંધ્રપ્રદેશના લોકોને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. લાભાર્થીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, "આ અમારી સરકારની જવાબદારી છે અને લોકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર માળખું અને સેવાઓ પ્રદાન કરવાની કટિબદ્ધતા છે, કારણ કે માત્ર એક સ્વસ્થ દેશ જ વિકસિત દેશ બનવાની આકાંક્ષા રાખી શકે છે."
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, આ નવી સુવિધાઓ તબીબી સેવાઓ પ્રાપ્ત કરવાની સરળતા વધારવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દેશમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ અને વિસ્તૃત કરીને જ નહીં, પરંતુ તબીબી વ્યાવસાયિકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ મેડિકલ અને નર્સિંગ કોલેજોની રચના કરીને પણ આરોગ્ય પ્રત્યેના સંપૂર્ણ અભિગમને અનુસરી રહી છે." દેશમાં એઈમ્સની સંખ્યા આજે વધીને 23 થઈ ગઈ છે અને દેશમાં એમબીબીએસ અને નર્સિંગની બેઠકોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
ડૉ. મનસુખ માંડવિયાએ દેશની આરોગ્યસંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યોને તેમનાં હેલ્થકેર પ્રયાસોમાં કેન્દ્ર સરકારનાં સાથસહકાર અને કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
વિદાદાલા રજનીએ જણાવ્યું હતું કે, પીએમ-એએચઆઈએમ હેઠળ આંધ્રપ્રદેશમાં નવી સુવિધાઓ રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધાઓને વધારે મજબૂત કરવામાં મદદરૂપ થશે. કેન્દ્ર સરકાર તરફથી મળેલા સમર્થન અને માર્ગદર્શનની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, "પીએમ-એએપીઆઈએમ હેઠળ આંધ્રપ્રદેશને 1271 કરોડની નોંધપાત્ર ફાળવણી કરવાથી રાજ્યમાં કોઈ પણ પ્રકારની આરોગ્ય કટોકટીનો સામનો કરવા સક્ષમ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ થશે." આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ અશોક બાબૂ તથા સ્વાસ્થ્ય મંત્રાલય અને આંધ્રપ્રદેશ સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.