ત્યાગરાજ સ્ટેડિયમમાં ‘માય ભારત યુવા સંમેલન’નો પ્રારંભ
Live TV
-
ત્યાગરાજ સ્ટેડિયમમાં ‘માય ભારત યુવા સંમેલન’નો પ્રારંભ
રાજધાની નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ત્યાગરાજ સ્ટેડિયમમાં આજે ‘વિકસિત ભારત – માય ભારત યુવા સંમેલન’નું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવાના અને દેશની યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી પસંદ કરાયેલી 6,000 થી વધુ યુવા પ્રતિભાઓ ભાગ લઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ગરિમામય ઉપસ્થિતિ
આ રાષ્ટ્રીય કક્ષાના યુવા સંમેલનમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. તેઓ દેશના ભવિષ્ય સમાન યુવાનોને પ્રોત્સાહિત કરી, નૂતન ભારતના ઘડતરમાં પોતાનો ફાળો આપવા માટે આહ્વાન કરશે.
આ સંમેલનમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન અભિનેતા વિક્રાંત મેસી, ઓલિમ્પિક પદક વિજેતા અમન સહરાવત અને ઉદ્યોગ સાહસિક અમન ગુપ્તા જેવી જાણીતી હસ્તીઓ યુવાનો સાથે સીધો સંવાદ કરશે
ક્વિઝ સ્પર્ધામાં રચાયો 'ગિનેસ વર્લ્ડ રેકોર્ડ'
આ આયોજનનું સૌથી મોટું અને ગૌરવશાળી આકર્ષણ ‘એક સપ્તાહમાં સૌથી વધુ ઓનલાઇન ક્વિઝ પૂર્ણ કરવાનો’ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) છે. ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ક્વિઝ’ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી અંદાજે 4 લાખ (3,90,812) જેટલા ઉત્સાહી યુવાનોએ સફળતાપૂર્વક ઓનલાઇન ક્વિઝ પૂર્ણ કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે, જે ભારતીય યુવાનોની સક્રિયતા દર્શાવે છે.
