દિલ્હીની રાઉઝ એવન્યું કોર્ટે લીકર પોલિસી સ્કેમ મામલે અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Live TV
-
લીકર સ્કેમ પોલિસીમાં કેજરીવાલની ભૂમિકા અંગે સઘન તપાસ અને ગુનાઓથી થયેલી આવક વિશે તપાસ કરવા માટે કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી સ્કેમ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 6 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે આદેશમાં જણાવ્યું કે, ડિજીટલ ડિવાઈસથી મળેલા ડેટા અને તપાસ સાથે જોડાયેલા અન્ય મટીરીયલ્સથી સામનો કરાવવા અને લીકર સ્કેમ પોલિસીમાં કેજરીવાલની ભૂમિકા અંગે સઘન તપાસ અને ગુનાઓથી થયેલી આવક વિશે તપાસ કરવા માટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તેમજ અરવિંદ કેજરીવાલની એવી જગ્યા પર પૂછપરછ થશે જ્યાં સીસીટીવી કવરેજ હોય. તેમજ સાંજે 6થી 7 વાગ્યાના સમયમાં કેજરીવાલ પોતાના વકીલો સાથે મુલાકાત કરી શકશે. આ ઉપરાંત સુનિતા કેજરીવાલ અને બીભવ કુમારને પણ અડધો કલાક મળી શકશે.
કેજરીવાલે હાઈ બ્લડ પ્રેશરનું કારણ જણાવીને સ્પેશિયલ ડાયટ અને ઘરના ભોજનની માંગ કરી હતી. કોર્ટે આ માંગણી મંજૂર કરતા જણાવ્યું કે, તેમને જરૂરી દવાઓ અને ડોક્ટર દ્વારા કહેવામાં આવેલું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને ઈડી આ પ્રકારની વ્યવસ્થા ન કરાવી શકે તો તેઓ ઘરનું ભોજન ખાઈ શકશે.