દિલ્હીમાં 'મહિલા સમૃદ્ધિ યોજના' શરૂ, મહિલાઓને મળશે 2500ની સહાય
Live TV
-
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ 'મહિલા સમૃદ્ધિ યોજના' શરૂ કરી હતી. યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સીધી નાણાકીય સહાય મળશે.
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ આજે શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'મહિલા સમૃદ્ધિ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ, દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જાહેરાત કરી કે, આ યોજનાને લાગુ કરવા માટે 5100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શું કહ્યું ?
આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ભાજપ સરકાર પોતાના તમામ વચનો પૂરા કરશે. તેમણે મહિલાઓની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે કહ્યું કે, “અમે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં પિન્ક ટોયલેટ બનાવ્યા છે. અમે આપેલા બધા વચનો પૂરા કરીશું."
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આ યોજનાને લાગુ કરવા માટે એક વર્ષ માટે 5100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, "હવે અમે ટૂંક સમયમાં મહિલાઓનું રજીસ્ટ્રેશન શરૂ કરીશું અને યોજનાનો અમલ લાવીશું."
યોજનાના અમલીકરણ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના
દિલ્હી સરકારના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે, આ યોજનાને મંજૂરી મળી ગઈ છે અને તેનું પોર્ટલ ટૂંક સમયમાં સક્રિય કરવામાં આવશે. જેથી મહિલાઓ તેના માટે અરજી કરી શકે. તેમણે કહ્યું કે, યોજનાની શરતો અને અન્ય નિયમો નક્કી કરવા માટે ત્રણ મંત્રીઓ જેવા કે કપિલ મિશ્રા, આશિષ સૂદ અને પ્રવેશ વર્માની એક સમિતિની બનાવવામાં આવી છે.