દિલ્હી સરકારની મોટી પહેલ: મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે 'દુર્ગા યોજના'ને મંજૂરી
Live TV
-
દિલ્હી સરકારની મોટી પહેલ: મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે 'દુર્ગા યોજના'ને મંજૂરી
રાજધાની દિલ્હીમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને આર્થિક રીતે સશક્ત, સ્વતંત્ર અને સન્માનજનક રોજગારી પૂરી પાડવા માટે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હી મંત્રીમંડળ દ્વારા 'દુર્ગા યોજના'ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ રાજધાનીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ સુરક્ષિત અને હરિયાળું બનાવવા સાથે પરિવહન ક્ષેત્રે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરની ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં 1300 ગુલાબી ઈલેક્ટ્રિક ઓટોનું વિતરણ
આ યોજનાના પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 1300 પિંક (ગુલાબી) ઈલેક્ટ્રિક ઓટો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફાળવણીમાં સામાજિક સમાવેશનને પ્રાથમિકતા આપતા વિશેષ આરક્ષણ રાખવામાં આવ્યું છે: મહિલાઓ માટે 1170 ઈલેક્ટ્રિક ઓટો અનામત રાખવામાં આવી છે. ટ્રાન્સજેન્ડર લાભાર્થીઓ માટે 130 ઈલેક્ટ્રિક ઓટો અનામત રાખવામાં આવી છે. આ ઓટો દિલ્હીના દરેક રેવન્યુ જિલ્લામાં વિતરિત કરવામાં આવશે, જેથી સમગ્ર રાજધાનીમાં સમાન તકો મળી રહે.'દુર્ગા યોજના'ના મુખ્ય ઉદ્દેશ્યો અને વિશેષતાઓ:
આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સુરક્ષિત અને સ્વચ્છ સ્વ-રોજગારી પૂરી પાડવાનો છે. આ પિંક ઈ-ઓટો મુખ્યત્વે મેટ્રો સ્ટેશન અને ભીડભાડવાળા વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થાને વધુ સરળ બનાવશે. આ ઈ-ઓટો પર ખાસ 'દુર્ગા' બ્રાન્ડિંગ અને ઓળખ ચિહ્નો હશે, જેથી મુસાફરો સરળતાથી ઓળખી શકે અને સુરક્ષાની ભાવના મજબૂત બને. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 70 જેટલા મેટ્રો સ્ટેશનના પાર્કિંગ વિસ્તારોમાં ઈવી (EV) ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પાત્રતા અને અરજી પ્રક્રિયા
આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ સરકાર દ્વારા નિર્ધારિત કરેલી પાત્રતા જેમ કે દિલ્હીના નિવાસી હોવું, યોગ્ય વયમર્યાદા અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. સરકાર દ્વારા આ માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેના માધ્યમથી પાત્ર ઉમેદવારો અરજી કરી શકશે.દિલ્હી સરકારની આ અભૂતપૂર્વ યોજનાથી માત્ર મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર નાગરિકોનું આર્થિક ઉત્થાન જ નહીં થાય, પરંતુ દિલ્હીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વધુ સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત બનશે.
