દેશમાં હવામાનનો બેવડો માર: પૂર્વી MP, UP અને વિદર્ભમાં ગરમીનું 'રેડ એલર્ટ'
Live TV
-
દેશમાં હવામાનનો બેવડો માર: પૂર્વી MP, UP અને વિદર્ભમાં ગરમીનું 'રેડ એલર્ટ'
દેશભરમાં હાલ હવામાનના બે અલગ-અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો ભીષણ ગરમી અને લૂ (Heatwave) ની ચપેટમાં છે, તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અનેક હિસ્સાઓ માટે ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી છે.
ત્રણ રાજ્યોમાં 'રેડ એલર્ટ'
હવામાન વિભાગે આજે પૂર્વી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં તીવ્ર ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને 'રેડ એલર્ટ' જારી કર્યું છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ઘણો ઊંચો રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દેશના અન્ય મુખ્ય રાજ્યો માટે પણ હીટવેવની ગંભીર ચેતવણી આપી છે, જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ઓડિશા રાજ્યોનો સમાવેશ થાય છે.
બિહાર અને ઓડિશામાં ગરમી અને ભેજનું જોખમ
બિહારમાં પ્રવર્તી રહેલી ગરમી અંગે માહિતી આપતા હવામાન વૈજ્ઞાનિક આનંદ શંકરે જણાવ્યું હતું કે, "રાજ્યના દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-મધ્ય જિલ્લાઓમાં હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન બંને ઊંચા હોવાને કારણે અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે." બીજી તરફ, ઓડિશામાં ભીષણ ગરમી અંગે આઇએમડી (IMD) ના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ ૧૬ જેટલા સ્થળોએ તાપમાન ખૂબ જ ઊંચું નોંધાયું છે અને આગામી સમયમાં લૂ ચાલવાની પૂરેપૂરી આશંકા છે.
આ રાજ્યોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
જ્યારે અડધો દેશ ગરમીથી ત્રાહિમામ છે, ત્યારે દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં મેઘરાજા મહેરબાન થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ઝારખંડ, કર્ણાટક અને કેરળ, માહે, લક્ષદ્વીપ અને રાયલસીમા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે:
હવામાન વિભાગે ગરમી પ્રભાવિત વિસ્તારોના લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરી છે, જ્યારે વરસાદી વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
