નક્સલવાદના ખાત્મા માટે કેન્દ્રનો એક્શન પ્લાન: લોકસભામાં આજે મોટી ચર્ચા, ગૃહમંત્રી અમિત શાહ આપશે વિગતવાર માહિતી
Live TV
-
દેશમાંથી નક્સલવાદ મુક્ત કરવા માટે આજે(30 માર્ચ, 2026) લોકસભામાં એક અત્યંત મહત્વની ચર્ચા યોજાવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર 'નક્સલ મુક્ત ભારત'ના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, ત્યારે આજે બપોરે આ મુદ્દે સંસદમાં મંથન થશે. આ ચર્ચાની શરૂઆત શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે કરશે, જ્યારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ગંભીર મુદ્દે સરકારનો પક્ષ અને ભવિષ્યની રણનીતિ રજૂ કરશે.
છત્તીસગઢનો બસ્તર વિસ્તાર જે ક્ષેત્રફળમાં કેરળ રાજ્ય કરતા પણ મોટો છે, ત્યાં નક્સલવાદનો પ્રભાવ હવે ઓસરી રહ્યો છે. ભાજપના બસ્તરના સાંસદ મહેશ કશ્યપ પણ આ ચર્ચામાં જોડાઈને જમીની હકીકત રજૂ કરશે. એક સમયે જ્યાં હિંસા, ભય અને પછાતપણું સામાન્ય હતું, ત્યાં હવે સુરક્ષા દળોના બલિદાન અને સરકારની મજબૂત નીતિઓને કારણે વિકાસની નવી લહેર જોવા મળી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે માર્ચ 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો જડમૂળથી સફાયો કરી દેવામાં આવશે. મોદી સરકારની 'વિકાસ અને સુરક્ષા'ની બેવડી રણનીતિને કારણે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો ખૂલી રહ્યા છે, જેનાથી સ્થાનિક આદિવાસી સમાજ મુખ્યધારા સાથે જોડાઈ રહ્યો છે.
લોકસભામાં આજે થનારી આ ચર્ચામાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થઈ રહેલા પરિવર્તનો અને સુરક્ષા દળોની ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સરકારનું માનવું છે કે બસ્તરને દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનાવવો એ તેમનું મુખ્ય લક્ષ્ય છે. આજની આ ચર્ચા દેશમાં નક્સલવાદ વિરોધી અભિયાનને નવી દિશા અને મજબૂતી આપશે.
