નવી દિલ્હીમાં આજે નવમા રાયસીના ડાયલોગનો આજે બીજો દિવસ
Live TV
-
નવી દિલ્હીમાં ચાલી રહેલા રાયસીના સંવાદની 9મી આવૃત્તિનો આજે બીજો દિવસ છે. આજે વિદેશમંત્રી ડૉક્ટર એસ.જયશંકર, રેલમંત્રી અશ્વિનિ વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ સહિત કેટલાય કેન્દ્રિય મંત્રી આયોજિત સત્રોમાં ભાગ લેશે. જી-20 શેરપા અમિતાભ કાંત પણ પોતાના વિચાર રજૂ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસે કહ્યું કે, ભારત વિશ્વ મંચ પર એક મહાન શક્તિ છે અને શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે. G-20 સંગઠનમાં ભારત એક ઉભરતી શક્તિ છે અને આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં પણ અગ્રણી દેશ છે.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા કહ્યું છે.ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ગ્રીસે છેલ્લા વર્ષોમાં કોઈપણ યુરોપિયન દેશ કરતાં સૌથી ઝડપી વિકાસ દર હાંસલ કર્યો છે. પરસ્પર રોકાણ એ આપણા દ્વિપક્ષીય સંબંધોનું મુખ્ય લક્ષ્ય છે. ભારત પહેલેથી જ ગ્રીસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહ્યું છે. જેમાં નવા એરપોર્ટના નિર્માણનો પણ સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધી રહ્યો છે.
રાયસિના ડાયલોગ એ જિયોપોલિટિક્સ અને જિયો-ઈકોનોમિક્સ પરની ભારતની પ્રીમિયર કોન્ફરન્સ છે. તે આંતરરાષ્ટ્રીય સમુદાયનો સામનો કરી રહેલા સૌથી પડકારરૂપ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. આ આવૃત્તિની થીમ "ચતુરંગા: સંઘર્ષ, હરીફાઈ, સહકાર, સર્જન" છે. ત્રણ દિવસીય સંવાદમાં મંત્રીઓ, રાજ્ય અને સરકારના ભૂતપૂર્વ વડાઓ, લશ્કરી કમાન્ડરો, શિક્ષણવિદો, પત્રકારો અને વિદ્વાનો સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
