નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે IMFની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થશે
Live TV
-
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) - વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થશે. આ બેઠક સોમવારથી વોશિંગ્ટન ડીસીમાં IMF હેડક્વાર્ટરમાં થવાની છે, જેમાં વિશ્વભરના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકર્સ હાજર રહેશે. આ બેઠક ઉપરાંત તેઓ જી-20 દેશોના તેમના સમકક્ષો અને અન્ય પ્રતિનિધિમંડળોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.
સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આ મહિનાની 12મી તારીખે બીજી G-20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં G-20 સભ્યો, 13 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના લગભગ 350 પ્રતિનિધિઓ ભાગ લેશે. તેઓ વિવિધ વૈશ્વિક મુદ્દે બહુપક્ષીય ચર્ચાઓમાં સામેલ થશે.
બેઠકમાં ખાદ્ય અને ઉર્જા અસુરક્ષા, વૈશ્વિક દેવાસામેના પડકારો, બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત કરવા, આબોહવા કાર્યવાહી માટે નાણાં એકત્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય કર અને નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓ પર પ્રગતિને વેગ આપવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ભારતના G-20 ફાયનાન્સ ટ્રેકએજન્ડા હેઠળ પરિકલ્પિત પરિણામો પર થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
