Skip to main content
Settings Settings for Dark

નાસાએ ગેલેક્સી M-77ની ત્રણ અદભૂત તસવીરો શેર કરી, ‘ડિફ્રેક્શન સ્પાઇક્સ’ની જોવા મળી ઝલક

Live TV

X
  • અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી ગેલેક્સી M-77ની ત્રણ શાનદાર તસવીરો જાહેર કરી છે. આ તસવીરોમાં ગેલેક્સીનું કેન્દ્ર એટલી ઝડપથી ચમકી રહ્યું છે કે આખી ગેલેક્સી ઝળહળતી જોવા મળે છે. આ તસવીરોમાં સૌથી ખાસ બાબત તેમાં દેખાતા ‘ડિફ્રેક્શન સ્પાઇક્સ’ (Diffraction Spikes) છે, જે ટેલિસ્કોપના ઓપ્ટિક્સના કારણે ઉભી થતી એક પ્રકાશીય અસર છે.

    આ ડિફ્રેક્શન સ્પાઇક્સ ગેલેક્સીની અસલી સંરચના નથી, પરંતુ ટેલિસ્કોપની ઓપ્ટિકલ અસર છે. ગેલેક્સી M-77 એક સર્પિલ (સ્પાયરલ) ગેલેક્સી છે અને તે સક્રિય કેન્દ્ર ધરાવતી ગેલેક્સીઓ પૈકીની એક છે. નાસાની આ તસવીરોથી વૈજ્ઞાનિકોને બ્લેક હોલની આસપાસની ગતિવિધિ, નવા તારાઓના નિર્માણ અને ગેલેક્સીની સંરચનાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.

    નાસાએ આ તસવીરો સાથે લખ્યું છે કે, “કોઈને પણ પોતાની ચમક ઓછી કરવા ન દો.” ગેલેક્સી M-77નું કેન્દ્ર એટલું બધું તેજસ્વી છે કારણ કે તેના કેન્દ્રીય બ્લેક હોલની આસપાસ ગેસ ખૂબ જ ઝડપે ફરી રહ્યો છે. આ તીવ્ર પરિભ્રમણને કારણે ગેસ ગરમ થઈ જાય છે અને મોટા પ્રમાણમાં ઉર્જા તથા રેડિયેશન ઉત્સર્જિત કરે છે.

    પહેલી તસવીર – મિડ-ઇન્ફ્રારેડ વ્યુ: આ તસવીરમાં ગેલેક્સીના કેન્દ્રમાંથી નીકળતી તેજ ચમક સૌથી વધુ આકર્ષિત કરે છે. કેન્દ્રમાંથી છ મોટી અને બે નાની તેજસ્વી નારંગી કિરણો બહારની તરફ નીકળતી દેખાય છે. આ કિરણો વાસ્તવમાં ‘ડિફ્રેક્શન સ્પાઇક્સ’ છે, જે વેબ ટેલિસ્કોપની બનાવટને કારણે પેદા થાય છે. ગેલેક્સીની સર્પિલ ભુજાઓમાં નારંગી રંગના ચમકતા પરપોટા દેખાય છે, જે નવા બનેલા તારાઓના સમૂહ અથવા સ્ટાર ક્લસ્ટર છે. ગેલેક્સીનો બાકીનો ભાગ ધૂળના વાદળી રંગના ફરતા વાદળોથી ભરેલો દેખાય છે.

    બીજી તસવીર – નીયર-ઇન્ફ્રારેડ વ્યુ: આમાં ગેલેક્સીના કેન્દ્રમાં 6 હજાર પ્રકાશવર્ષ લાંબો એક ‘બાર’ (Bar structure) સ્પષ્ટ દેખાય છે. આ બાર એક તેજસ્વી વલયથી ઘેરાયેલો છે, જેને ‘સ્ટારબર્સ્ટ રિંગ’ કહેવામાં આવે છે. આ વલય ગેલેક્સીની બે સર્પિલ ભુજાઓના અંદરના છેડાઓથી બને છે. સ્ટારબર્સ્ટ વિસ્તારો એવા સ્થળો છે જ્યાં નવા તારાઓ ખૂબ જ ઝડપથી બની રહ્યા છે. અહીં પણ કેન્દ્રમાંથી છ લાંબી તેજસ્વી કિરણો એટલે કે ડિફ્રેક્શન સ્પાઇક્સ નીકળી રહ્યા છે.

    ત્રીજી તસવીર – બંને ઇન્ફ્રારેડ વ્યુનું કોમ્બિનેશન: આ તસવીર મિડ-ઇન્ફ્રારેડ અને નીયર-ઇન્ફ્રારેડ બંનેને જોડીને બનાવવામાં આવી છે. જેમાં ગેલેક્સીની સંપૂર્ણ સુંદરતા અને વૈજ્ઞાનિક મહત્વ એકસાથે જોવા મળે છે. કેન્દ્રમાંથી નીકળતા ડિફ્રેક્શન સ્પાઇક્સ, સ્ટારબર્સ્ટ રિંગ, સર્પિલ ભુજાઓ અને ધૂળના વાદળો બધું જ સ્પષ્ટ દેખાય છે. વેબ ટેલિસ્કોપની બનાવટને કારણે તેજસ્વી વસ્તુઓની આસપાસ છ-પ્લસ-બે બિંદુઓવાળી પેટર્ન બને છે, જ્યારે હબલ ટેલિસ્કોપમાં ચાર બિંદુઓવાળી પેટર્ન જોવા મળતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply