પાકિસ્તાન આતંકવાદને આપે છે પ્રોત્સાહન: સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતનો પ્રહાર
Live TV
-
22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિ પર ફરીથી પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર નિશાન પર લીધું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રની બેઠક સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે. તે આતંકવાદને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસ્થિરતાને વધારે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે આતંકવાદ સાથે પાકિસ્તાનના સંબંધોને ટાંકીને વૈશ્વિક સમુદાયને તેમનું મૌન તોડવા આગ્રહ કર્યો હતો.
ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે શું કહ્યું ?
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે વધુમાં કહ્યું હતું કે, 'પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકવાદને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ જોયું કે ખ્વાજા આસિફે આતંકવાદી સંગઠનોને ટેકો, તાલીમ અને ભંડોળ આપવાની કબૂલાત કરી હતી. આ કબૂલાતથી કોઈને આશ્ચર્ય થયું નથી કારણ કે પાકિસ્તાન એક બદમાશ રાષ્ટ્ર છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આ ક્ષેત્રને અસ્થિર બનાવે છે. દુનિયા હવે આ ભય સામે આંખ આડા કાન કરી શકે નહીં. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 2008ના મુંબઈ હુમલા પછી સૌથી વધુ મૃત્યુ થયા છે. દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો ભોગ બનેલા ભારતને આવા હુમલાઓનો ભોગ બનેલા લોકો પર શું પ્રભાવ પડે છે તે સારી રીતે સમજાય છે.'
યોજના પટેલે કહ્યું કે, 'ભારત પહેલગામમાં થયેલા હુમલા પછી વિશ્વભરના દેશો અને તેમના નેતાઓ તરફથી મળેલા સમર્થનની હૃદયપૂર્વક પ્રશંસા કરે છે. આ આતંકવાદ પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયની શૂન્ય સહિષ્ણુતા નીતિ(Zero Tolerance Policy)નો પુરાવો છે. અમે કોઈપણ સ્વરૂપમાં આતંકવાદની નિંદા કરીએ છીએ.'