પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કામ કરતી NGOના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ ભાગ લીધો હતો. બોર્ડની બેઠકમાં વન્યજીવન સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બોર્ડ પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે વન્યજીવન અને જંગલોના સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.
બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનો વર્ચ્યુઅલી શિલાન્યાસ પણ કર્યો. પ્રધાનમંત્રીએ 16મા એશિયાઈ સિંહ વસ્તી અંદાજ 2025નું અનાવરણ કર્યું અને કોઈમ્બતુર ખાતે માનવ-વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. બેઠક પહેલા, પ્રધાનમંત્રીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારી લીધી અને ગીરના સિંહ સદન કેમ્પસમાં વૃક્ષારોપણમાં પણ ભાગ લીધો. પ્રધાનમંત્રીએ વન્યજીવનના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ફિલ્ડ સ્ટાફ માટે પેટ્રોલિંગ બાઇક્સને લીલી ઝંડી આપી હતી અને ઇકો ગાઇડ્સ, ટ્રેકર્સ અને અન્ય મહિલા ફિલ્ડ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ગીર જંગલમાં સામૂહિક સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી. જેના કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થયો.મોદીએ એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને મહિલાઓની ભૂમિકાની પણ પ્રશંસા કરી.
તો આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા અને ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારી અને ફોટોગ્રાફીનો આનંદ માણ્યો હતો..
