પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ મહામારી અને રસીકરણ મુદ્દે નિષ્ણાંતો સાથે સમીક્ષા કરી
Live TV
-
આ બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા કોવિડને લગતી દવાઓ, માનવ સંસાધનની સ્થિતિ અને સ્થિતિમાં સુધારાના ઉપાયો અંગે ચર્ચા કરાઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોવિડની મહામારી અને રસીકરણના મુદ્દે નિષ્ણાંતો સાથે સમિક્ષા કરી હતી. આ બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા કોવિડને લગતી દવાઓ, માનવ સંસાધનની સ્થિતિ અને સ્થિતિમાં સુધારાના ઉપાયો અંગે ચર્ચા કરાઈ હતી. સરકારે ઓક્સિજનના ઉત્પાદન માટે વિવિધ સંભવિત ઉદ્યોગોની ઓળખ કરી છે. જેમાં વર્તમાન નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજનના ઉત્પાદન માટે પરિવર્તિત કરી શકાય છે. અત્યાર સુધીમાં 14 ઉદ્યોગોની ઓળખ કરાઈ જેમાં નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજન ઉત્પાદન માટે રૂપાંતરિત કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
ઉદ્યોગ સંઘોની મદદથી 37 નાઇટ્રોજન પ્લાન્ટસની આ કામગીરી માટે ઓળખ કરાઈ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરવા માટેની એક બેઠકની પણ અધ્યક્ષતા કરી હતી. સ્ટીલ પ્લાન્ટ્સ પેટ્રોકેમિકલ યુનિટ્સ સાથેની રિફાઇનરીઓ ભારે દહન ક્રિયા- પ્રક્રિયા સાથેના ઉદ્યોગો અને પાવર પ્લાન્ટ્સ વગેરે ઘણા ઉદ્યોગો પાસે ઑક્સિજન પ્લાન્ટ્સ છે. જે વાયુરૂપી ઑક્સિજન ઉત્પન્ન કરે છે. આ ઑક્સિજનને તબીબી ઉપયોગ માટે લઈ શકાય છે. એવી આશા છે કે, આવા સંયંત્રોની આસપાસ અસ્થાયી હોસ્પિટલોના માધ્યમથી અંદાજિત 10 હજાર ઓક્સિજનયુક્ત બેડનું નિર્માણ થઈ શકે છે.
