પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી.તેમણે કહ્યું કે, અમે તે તમામ મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણા બંધારણનો મુસદ્દો બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે. આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોને જાળવવા અને એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવે તેવી પ્રાર્થના.
આજે દેશમાં ધૂમધામથી 76માં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. કર્તવ્ય પથ ઉપર યોજાનારી પરેડમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડની સલામી ઝીલશે. ગણતંત્ર દિવસના ભારતમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પણ ઉપસ્થિત રહેશે. પરેડમાં ભારતની વિવિધ ઉપલબ્ધિઓના ટેબ્લો જોવા મળશે. આજનો વિશેષ દિવસ ભારતમાં બંધારણને સ્વીકારવાની યાદ અપાવે છે.
પ્રજાસતાક દિવસના ભવ્ય સમારંભનું લાઇવ પ્રસારણ દેશના લોક પ્રસારક દૂરદર્શન દ્વારા પણ કરવામાં આવશે. આ લાઇવ પ્રસારણ માટે દૂરદર્શને રેકોર્ડિંગ માટે પ્રથમ વાર 4K રેઝોલ્યૂશન કેમેરાનો ઉપયોગ કરશે. આમાં 50 કેમેરાની મદદ, અને ઉત્તમ ઓડિયો વીડિયો ક્વોલિટી માટેની તમામ વ્યવસ્થા સ્ટુડિયોની બહાર તેમજ અંદર ઉભી કરવામાં આવી છે. જેથી દર્શકોને ટીવી સ્ક્રીન તેમજ ઓટીટી પર આ પ્રસારણ નિહાળવાનો ઉત્તમ અનુભવ મળી રહે.
દેશમાં ગણતંત્ર પર્વની ઉજવણીને અનુલક્ષીને રાજધાનીમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા અને શાંતિ જાળવવા ઠેર ઠેર પોલીસ દળ તૈનાત છે. ખાસ કરીને બોર્ડર વિસ્તારોને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. દિલ્લી સાથે જોડાયેલી ઉ.પ્ર. સહિતની વિવિધ બોર્ડર તેમજ અન્ય વિસ્તારોમાં ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.પેરા મિલીટ્રી ફોર્સની 70 કંપનીઓ ઉતારવામાં આવી છે. દિલ્હી સહિત આર્થિક રાજધાની મુંબઇમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.