પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ગ્રીસના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. બંને દેશોએ વિવિધ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વાટાઘાટો બાદ બંને દેશોના પ્રધાનમંત્રીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદ પર બંને દેશોની ચિંતા સમાન છે. બંને દેશો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમત થયા હતા.
બંને દેશો વચ્ચેના પરસ્પર સહયોગને ઉચ્ચ સ્તરે લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી . બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણા કરવા સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ, ફાર્મા, તબીબી ઉપકરણો, ટેકનોલોજી, નવીનતા, કૌશલ્ય વિકાસ અને અવકાશ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવી તકો શોધવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, શિપિંગ અને કનેક્ટિવિટી એ ટોચની પ્રાથમિકતાના ક્ષેત્રો છે. તેમેણે જણાવ્યું હતું કે, આ મંત્રણા ઘણી અર્થપૂર્ણ અને ઉપયોગી હતી.
ગ્રીસના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા અને તેમને વ્યૂહાત્મક સ્તરે ઉન્નત કરવા આતુર છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ, પર્યટન, સાયબર ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ હતી.
આ પહેલા બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. મિત્સોટાકિસ ભારતની ચાર દિવસની મુલાકાતે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તા ધરાવતું વેપારી પ્રતિનિધિમંડળ પણ છે.
મિત્સોટાકિસ 9મા રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ અને વક્તા હશે. રાયસીના સંવાદ આજથી 23 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીમાં ચાલશે. ગ્રીક રાષ્ટ્રપતિ એથેન્સ જતા પહેલા મુંબઈની પણ મુલાકાત લેશે.
આજે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શ્રી મિત્સોટાકીસનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 15 વર્ષ પછી, ગ્રીસના કોઈ મોટા નેતા રાજ્ય અથવા સરકારના વડાના સ્તરે ભારત આવ્યા છે. અગાઉ ગ્રીસના વડાપ્રધાન 2008માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન ભારત-ગ્રીસ સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધો સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા, સુરક્ષા અને સંરક્ષણમાં સહયોગ, દરિયાઈ ક્ષેત્ર અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંકલન પર આધારિત છે.
બંને દેશો વિવિધ બહુપક્ષીય મંચોમાં ગાઢ સહયોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મિત્સોટાકિસની મુલાકાત ભારત અને ગ્રીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત બનાવે તેવી શક્યતા છે.
