પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
આ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ હબ હશે જ્યાં 4 હજાર 500 થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલા હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ, નવા બનેલા ડાયમંડ બુર્સને પણ સમર્પિત કર્યુ હતુ. સુરતનું ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે.
ડાયમંડ સિટી સુરત હીરાના વેપાર માટે અગ્રણી વૈશ્વિક હબ બનવા માટે તૈયાર છે. 35 એકરમાં ફેલાયેલ, ડાયમંડ બોર્સ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી 'સુરત ડ્રીમ સિટી' પ્રોજેક્ટનો એક ભાગ છે. આ બોર્સ 3400 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેમાં 1.5 લાખ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે. આ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ હબ હશે જ્યાં 4 હજાર 500 થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલા હશે. આ બોર્સમાં આયાત અને નિકાસ માટે અત્યાધુનિક 'કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ' હશે; રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ અને ઇન્ટરનેશનલ બૅન્કિંગ અને સેફ વૉલ્ટ્સ માટેની સુવિધા છે.
નોંધનીય છે કે, સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સુરત મુલાકાત દરમિયાન એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતુ. નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે.