પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાતે, કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે
Live TV
-
કેદારનાથમાં રોપ-વે લગભગ 9.7 કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેશે. કેદારનાથમાં સવારે લગભગ 8:30 વાગ્યે તેઓ કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9 વાગે કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ તેઓ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:25 વાગ્યે મંદાકિની આસ્થાપથ અને સરસ્વતી આસ્થાપથ પર વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી બદ્રીનાથ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી સવારે 11:30 વાગ્યે બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. બપોરે 12 વાગ્યે રિવરફ્રન્ટનાં વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે, ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આગમન પ્લાઝા અને તળાવોનાં વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
કેદારનાથ રોપ-વે
કેદારનાથમાં રોપ-વે લગભગ 9.7 કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે, જેનાથી બંને સ્થળો વચ્ચેનો પ્રવાસનો સમય હાલમાં 6-7 કલાકથી ઘટીને માત્ર 30 મિનિટનો થઈ જશે. હેમકુંડ રોપ-વે ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ સાથે જોડશે. તે લગભગ 12.4 કિ.મી. લાંબો હશે અને મુસાફરીનો સમય એક દિવસથી વધુ ઘટાડીને માત્ર ૪૫ મિનિટ કરશે. આ રોપ-વે ઘાંગરિયાને પણ જોડશે, જે વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે.
આશરે રૂ.2,430 કરોડના સંચિત ખર્ચે વિકસાવવામાં આવેલા આ રોપ-વેઝ પરિવહનનું પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે, જે પરિવહનનું સલામત, સુરક્ષિત અને સ્થિર માધ્યમ પ્રદાન કરશે. આ મુખ્ય માળખાગત વિકાસથી ધાર્મિક પર્યટનને વેગ મળશે, જે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારીની અનેક તકોનું સર્જન કરવા તરફ દોરી જશે.
આ મુલાકાત દરમિયાન આશરે 1,000 કરોડ રૂપિયાના માર્ગ પહોળા કરવાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. માનાથી માના પાસ (NH07) સુધી અને જોશીમઠથી મલારી (NH107B) સુધીના બે માર્ગ પહોળા કરવાના પ્રોજેક્ટ આપણા સરહદી વિસ્તારોમાં છેવાડાનાં વિસ્તારમાં બારમાસી રીતે માર્ગોને જોડવાની દિશામાં વધુ એક પગલું હશે. કનેક્ટિવિટી વધારવા ઉપરાંત વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ્સ ફાયદાકારક સાબિત થશે.
કેદારનાથ અને બદ્રીનાથ સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાનોમાંનાં એક છે. આ વિસ્તાર એક આદરણીય શીખ તીર્થ સ્થળ - હેમકુંડ સાહિબ માટે પણ જાણીતો છે. જે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, તે પ્રધાનમંત્રીની ધાર્મિક મહત્વનાં સ્થળોએ સુલભતા સરળ બનાવવા અને મૂળભૂત માળખાગત સુવિધામાં સુધારો કરવાની કટિબદ્ધતા દર્શાવે છે.