પ્રધાનમંત્રી મોદીના 'મન કી બાત': વસ્તી ગણતરી રાષ્ટ્રીય જવાબદારી, આતંકવાદ પર આંખ ઉઠાવનારાઓને ભારત જડબાતોડ જવાબ આપશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં જણાવ્યું હતું કે, આગામી વસ્તી ગણતરી દેશના દરેક નાગરિકની રાષ્ટ્રીય જવાબદારી છે. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારનારાઓને ભારત જડબાતોડ જવાબ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2016ની સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરતા આતંકવાદ વિરુદ્ધ ભારતની નીતિનો પણ ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા અશોક સિંઘલની જન્મશતાબ્દી, ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર અને ભારતની સાંસ્કૃતિક વિરાસત તથા જનભાગીદારીના મહત્વ પર વાત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, 'મન કી બાત'ના 138મા એપિસોડમાં આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં દરેક નાગરિકની ભાગીદારીને જરૂરી ગણાવી. તેમણે કહ્યું કે, વસ્તી ગણતરી માત્ર આંકડા એકત્રિત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ દરેક નાગરિકની રાષ્ટ્રીય જવાબદારી છે. પ્રધાનમંત્રીએ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વના સંદર્ભમાં કહ્યું કે આતંકવાદ પર આંખ ઉઠાવનારાઓને ભારત જડબાતોડ જવાબ આપશે.
પ્રધાનમંત્રીએ, 28-29 સપ્ટેમ્બર 2016ના રોજ નિયંત્રણ રેખા પાર પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ વિરુદ્ધ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી. તેમણે કહ્યું કે આ કાર્યવાહીની વૈશ્વિક સ્તરે અસર થઈ અને તેનાથી આતંકવાદ વિરુદ્ધ ભારતની નીતિનો સ્પષ્ટ સંદેશ ગયો. વડાપ્રધાને છેલ્લા એક દાયકા દરમિયાન બાલાકોટ એરસ્ટ્રાઈકથી લઈને ઓપરેશન સિંદૂર સુધી આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા અશોક સિંઘલની જન્મશતાબ્દીનો પણ ઉલ્લેખ કર્યો. અશોક સિંઘલનો જન્મ 27 સપ્ટેમ્બર 1926ના રોજ આગ્રામાં થયો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમનો પરિવાર સંપન્ન હતો અને તેમના પિતા સિવિલ સેવામાં હતા. તેમના ભાઈ-બહેન પણ ઉચ્ચ પદો પર રહ્યા. અશોક સિંઘલે આઈઆઈટી-બીએચયુ માંથી શિક્ષણ મેળવ્યું, પરંતુ બાદમાં સુખ-સુવિધાઓનું જીવન છોડીને સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો માર્ગ પસંદ કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અશોક સિંઘલે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે લાંબા સમય સુધી કામ કર્યું. તેઓ રામ જન્મભૂમિ આંદોલન સાથે પણ જોડાયેલા રહ્યા. તેમણે સામાજિક ભેદભાવ અને અસમાનતા જેવા વિષયો પર પણ કામ કર્યું. પ્રધાનમંત્રીએ તેમના જીવનને સામાજિક અને સાંસ્કૃતિક સેવા માટે સમર્પિત જીવન તરીકે યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, આ મંદિરનું નિર્માણ રાજા ભીમદેવ પ્રથમે વર્ષ 1025માં કરાવ્યું હતું. વર્ષ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ પર હુમલો કર્યો અને મોઢેરા પર પણ આક્રમણ કરી તેને નુકસાન પહોંચાડ્યું. વડાપ્રધાને કહ્યું કે, મોઢેરા મંદિરના વિધ્વંસને લગભગ એક હજાર વર્ષ થઈ ચૂક્યા છે. આ પછી ભીમદેવે સંઘર્ષ કર્યો અને મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. તેમણે કહ્યું કે, મોઢેરા સૂર્ય મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સૂર્ય ઉપાસનાના માધ્યમથી પ્રકાશ, ઊર્જા અને વિજ્ઞાન સાથે જોડાયેલી ભારતીય પરંપરાને પણ દર્શાવે છે. તેમણે મોઢેરાને દેશનું પહેલું 'સોલર વિલેજ' ગણાવતા કહ્યું કે અહીં પ્રાચીન વિરાસત અને હરિત ભવિષ્યને જોડવાનો પ્રયાસ દેખાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'મન કી બાત' દેશના એવા પાસાઓને સામે લાવવાનું મંચ છે, જેના પર સામાન્ય રીતે ઓછી ચર્ચા થાય છે. આ કાર્યક્રમના માધ્યમથી જમીની સ્તરે કામ કરનારા લોકો અને તેમની ઉપલબ્ધિઓને સામે લાવવામાં આવે છે.
