પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસના મુંબઈ પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસના મુંબઈ પ્રવાસે: 'નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ' સહિત કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (તારીખ 8 ઓક્ટોબર) થી બે દિવસના મહારાષ્ટ્ર અને મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ દેશના મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન મોબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી મોદી આજે નવી મુંબઈ ખાતે ₹ 19,650 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ - નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે, જે મુંબઈના હાલના એરપોર્ટ પરનું ભારણ ઘટાડશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી મુંબઈની અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવનારા મુખ્ય પ્રોજેક્ટ્સને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે:
મુંબઈ મેટ્રો લાઇન 3 નું સંપૂર્ણ લોકાર્પણ: પ્રધાનમંત્રી મોદી ₹ 12,200 કરોડના અંદાજિત ખર્ચે બનેલા મુંબઈ મેટ્રો લાઇન 3 (એક્વા લાઇન) ના અંતિમ તબક્કા 2B (આચાર્ય આત્રે ચોકથી કફ પરેડ) નું ઉદ્ઘાટન કરશે. આ સાથે, તેઓ ₹ 37,270 કરોડના કુલ ખર્ચે તૈયાર થયેલી સમગ્ર મુંબઈ મેટ્રો લાઇન 3 ને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ મુંબઈની પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ (Underground) મેટ્રો લાઇન છે.
અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ: પીએમ મોદી આ મુલાકાત દરમિયાન મુંબઈમાં અનેક અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. જેમાં "મુંબઈ વન" નામની ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ કોમન મોબિલિટી એપ (Integrated Common Mobility App) નો શુભારંભ મુખ્ય છે, જે 11 જાહેર પરિવહન ઓપરેટરોને એકીકૃત કરશે.
પોતાના પ્રવાસ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી મુંબઈ એરપોર્ટ પર જનમેદનીને પણ સંબોધિત કરશે. મુંબઈ અને નવી મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ દિવસો ઐતિહાસિક સાબિત થશે.
વિદેશી મહેમાન સાથે મુલાકાત:
પ્રધાનમંત્રી મોદી 9 ઓક્ટોબરે યુકેના પ્રધાનમંત્રી સર કીર સ્ટાર્મર ની મુંબઈમાં યજમાની કરશે, તેમજ તેઓ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ હાજરી આપશે.
