પ્રધાનમંત્રી મોદી ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો'થી સન્માનિત
Live TV
-
સન્માન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં PMએ તેને 140 કરોડ ભારતીયોને સમર્પિત કર્યું.
પ્રધાનમંત્રી મોદી શુક્રવારે ભૂતાનની રાજધાની થિમ્પુ 2 દિવસની સરકારી મુલાકાતે પહોંચ્યા હતા. એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજા જિમ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી.
જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં PMએ તેને 140 કરોડ ભારતીયોને સમર્પિત કર્યું.
શુક્રવારે ભૂતાન પહોંચેલા પ્રધાનમંત્રીએ સન્માન બાદ સભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું; “આ સન્માન મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, તે ભારત અને 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ભૂતાનની આ મહાન ભૂમિમાં તમામ ભારતીયો તરફથી હું નમ્રતાપૂર્વક આ સન્માન સ્વીકારું છું. આ સન્માન માટે હું તમારા બધાનો હૃદયથી આભાર માનું છું.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે; "ભારત-ભૂતાન ભાગીદારી માત્ર જમીન અને પાણી સુધી મર્યાદિત નથી. ભૂતાન હવે તેના અવકાશ મિશનમાં ભારતનું ભાગીદાર છે. ભૂતાનના વૈજ્ઞાનિકોએ ઈસરો સાથે મળીને સેટેલાઈટ લોન્ચ કર્યો છે."
તેમણે કહ્યું કે; "ભારત અને ભૂતાનના યુવાનોની આકાંક્ષાઓ સમાન છે. ભારતે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું નક્કી કર્યું છે. ભૂતાને 2034 સુધીમાં 'ઉચ્ચ આવક' દેશ બનવાનું નક્કી કર્યું છે." ભૂતાનને તેના લક્ષ્યો હાંસલ કરવામાં સમર્થનની ખાતરી આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારત 'BB' - બ્રાન્ડ ભૂતાન અને ભૂતાન બીલીવ્સ માટે તમારી સાથે છે. આવનારા 5 વર્ષ આપણા સંબંધોને નવી ઉર્જા આપશે. અમે કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને ઉર્જા ક્ષેત્રે માર્ગ બનાવવા માટે કામ કરીશું."