પ્રિન્સ રહીમ આગા ખાન V એ રાષ્ટ્રપતિ મૂર્મુ અને અમિત શાહ સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાએ 'આગા ખાન' તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાનું સ્વાગત કરતા, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના પિતા, સ્વર્ગસ્થ આગા ખાન ચોથાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં આગા ખાન ચોથા અને 'આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક' (AKDN) દ્વારા કરવામાં આવેલા કાર્યોને ખૂબ જ આદર અને સ્નેહની ભાવનાથી જોવામાં આવે છે.
રાષ્ટ્રપતિએ ભારતમાં પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, માતાના સ્વાસ્થ્ય, શહેરી પુનર્વિકાસ, મહિલા સશક્તિકરણ અને રોજગાર સર્જન સહિતના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે AKDN દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સ જાહેર-ખાનગી ભાગીદારીના ઉત્તમ ઉદાહરણો પૂરા પાડે છે, જે દર્શાવે છે કે સરકાર સાથે ભાગીદારીમાં કામ કરતી બિન-લાભકારી સંસ્થાઓ લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં કેવી રીતે યોગદાન આપી શકે છે.
પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાએ ભારતની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
આ મુલાકાતની વિગતો 'X' પર શેર કરતા ગૃહમંત્રી શાહે કહ્યું, "નવી દિલ્હીમાં હિઝ હાઈનેસ પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાને મળીને આનંદ થયો. માનવ વિકાસ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાથી બંધાયેલા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથેના સંબંધોનું ભારત ખૂબ મહત્વ સમજે છે. અમારી ચર્ચાઓ સામાજિક વિકાસ, સિંચાઈ, સહકારી ક્ષેત્ર, પ્રાકૃતિક ખેતી (જેમાં બાજરી/મિલેટ્સનો પણ સમાવેશ થાય છે) અને સૌર ઊર્જાના ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી. ટકાઉ વિકાસ અને માનવતાના કલ્યાણ માટે આ ભાગીદારીને આગળ વધારવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો અમે પુનરોચ્ચાર કર્યો."
