Skip to main content
Settings Settings for Dark

બજેટ વેબિનારમાં પીએમ મોદી: યુવાનોની વિકસતી વિચારધારા દેશની સૌથી મોટી શક્તિ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ પછીના વેબિનારને સંબોધતા જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસ દ્વારા દેશવાસીઓની આકાંક્ષાઓ પૂરી કરવાનો છે. તેમણે ભારતના યુવાનોની વિકસતી વિચારધારાને દેશની સૌથી મોટી શક્તિ ગણાવી અને નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણને રોજગાર તથા ઉદ્યોગ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. પીએમએ 'કેર ઇકોનોમી', ડિજિટલ હેલ્થ, એનિમેશન અને પ્રવાસન ક્ષેત્રે રહેલી રોજગારીની વિપુલ તકોનો ઉલ્લેખ કરી 'વિકસિત ભારત'ના નિર્માણ માટે સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેના સમન્વયનું આહ્વાન કર્યું હતું.

    પીએમ મોદીએ સોમવારે બજેટ પછીની વેબિનાર શૃંખલાના ચોથા સત્રને સંબોધિત કર્યું હતું. આ વેબિનારની થીમ “સબકા સાથ, સબકા વિકાસ – જનતાની આકાંક્ષાઓની પૂર્તિ” રહી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષના બજેટનો મૂળ ઉદ્દેશ્ય દેશવાસીઓની આકાંક્ષાઓ પૂરી કરવાનો છે અને સરકાર તે જ દિશામાં કામ કરી રહી છે.

    વિકાસના મુખ્ય સ્તંભો: શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય

    પીએમ મોદીએ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય, પ્રવાસન, રમતગમત અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોને દેશના સર્વાંગી વિકાસના મુખ્ય આધાર ગણાવ્યા હતા. તેમણે નિષ્ણાતોને બજેટની જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે સૂચનો આપવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું, “જનતાની આકાંક્ષાઓની પૂર્તિ માત્ર એક વિષય નથી, તે આ બજેટનો મૂળ ઉદ્દેશ્ય અને સરકારનો સંકલ્પ છે.”

    સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર અને ‘કેર ઇકોનોમી’

    પ્રધાનમંત્રીએ નિવારક અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય પર ભાર મૂકતા યોગ અને આયુર્વેદની વૈશ્વિક લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સેંકડો જિલ્લાઓમાં મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે અને આયુષ્માન ભારત દ્વારા સ્વાસ્થ્ય સેવાઓનો વ્યાપ વધ્યો છે. પીએમએ ઉભરતી ‘કેર ઇકોનોમી’ (સંભાળ અર્થતંત્ર) અને વૈશ્વિક સ્તરે કેરગિવર્સની વધતી માંગ પર ધ્યાન દોરતા યુવાનો માટે નવા તાલીમ મોડલ વિકસાવવા સૂચન કર્યું હતું. ડિજિટલ હેલ્થ અને ટેલીમેડિસિન વિશે જનજાગૃતિ વધારવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

    શિક્ષણને રોજગાર અને ઉદ્યોગ સાથે જોડવું

    પીએમ મોદીએ ભારતના યુવાનોની બદલાતી વિચારધારાની પ્રશંસા કરતા જણાવ્યું કે નવી શિક્ષણ નીતિનો હેતુ શિક્ષણને રોજગાર અને સાહસિકતા સાથે જોડવાનો છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોમેશન અને ડિજિટલ અર્થતંત્રને અનુરૂપ અભ્યાસક્રમો તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) સેક્ટરને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક સંસ્થાઓને ઉદ્યોગો સાથે જોડવા આહ્વાન કર્યું હતું.

    મહિલા ભાગીદારી અને સંશોધન

    વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી પર પીએમએ ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે સરકાર દીકરીઓને સમાન તકો આપવા માટે કટિબદ્ધ છે. તેમણે એક એવું રિસર્ચ ઇકોસિસ્ટમ બનાવવાનું આહ્વાન કર્યું જ્યાં યુવા સંશોધકો નવા વિચારો પર મુક્તપણે પ્રયોગ કરી શકે.

    રમતગમત અને પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ

    પીએમએ ‘ખેલો ઇન્ડિયા’ના પ્રભાવને રેખાંકિત કરતા કહ્યું કે સ્વસ્થ અને શિસ્તબદ્ધ યુવા પેઢી જ રાષ્ટ્રીય શક્તિની કરોડરજ્જુ છે. તેમણે ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ખેલાડીઓને અત્યારથી જ તાલીમ આપવા અને આર્થિક સહાય પૂરી પાડવાની જરૂરિયાત જણાવી હતી. પ્રવાસન વિશે વાત કરતા તેમણે કહ્યું કે નવા પર્યટન સ્થળોનો વિકાસ શહેરની બ્રાન્ડિંગમાં મદદ કરે છે. તાલીમબદ્ધ ગાઈડ, ડિજિટલ કનેક્ટિવિટી અને સ્વચ્છતા પ્રવાસન ક્ષેત્રના મુખ્ય સ્તંભો છે.

    પોતાના સંબોધનના અંતે પીએમ મોદીએ સંસ્થાઓ, ઉદ્યોગો અને શિક્ષણ જગત વચ્ચેના સમન્વયના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચર્ચાઓ‘વિકસિત ભારત’ ના પાયાને વધુ મજબૂત બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply