બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક: NSA અજિત ડોભાલની ઈરાનના પ્રતિનિધિ સાથે ચર્ચા
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે સોમવારે નવી દિલ્હીમાં આયોજિત 16મી બ્રિક્સ (BRICS) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠક દરમિયાન ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ (SNSC)ના સંરક્ષણ બાબતોના નાયબ સચિવ ગદીર નિઝામી સાથે મુલાકાત કરી.
બંને વચ્ચે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ, બ્રિક્સ મંચ હેઠળ સહયોગ અને ભારત-ઈરાનના પરસ્પર સંબંધો અંગે વાતચીત થઈ. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા કહ્યું, "NSA અજીત ડોભાલે સોમવારે 16મી બ્રિક્સ NSA બેઠક દરમિયાન ઈરાનના SNSCના સંરક્ષણ બાબતોના નાયબ સચિવ ગદીર નિઝામી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. આ ઉપરાંત બ્રિક્સ હેઠળ સહયોગ અને ભારત-ઈરાનના દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવી હતી."
ભારતના અધ્યક્ષપદ હેઠળ નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં સભ્ય દેશોના અગ્રણી સુરક્ષા અધિકારીઓ સામેલ થઈ રહ્યા છે, જેઓ દુનિયામાં બદલાતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરી રહ્યા છે અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર સહયોગ વધારવાની રીતો પર વિચાર કરી રહ્યા છે.
NSA અજીત ડોભાલે ઈથિયોપિયાની નેશનલ ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સર્વિસના એનાલિસિસ વિભાગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિલિયન લેમા ટેડેસે સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત અને ઈથિયોપિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સહયોગના ક્ષેત્રો પર વાતચીત થઈ હતી.MEAએ જણાવ્યું કે આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને પ્રતિનિધિમંડળના વડાઓ 'આજે વિશ્વ સમક્ષ રહેલા બિન-પરંપરાગત સુરક્ષા પડકારો'ના વિષય પર પોતાના વિચારો શેર કરશે.
અધિકારીઓ ઝડપથી બદલાતા રાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને નવી ટેકનોલોજીના કારણે ઉભા થતા સુરક્ષા જોખમોમાં તેમની ભૂમિકા પર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી બ્રિક્સ આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથ અને માહિતી અને સંચાર તકનીક (ICT)ના સુરક્ષિત ઉપયોગ સાથે જોડાયેલા સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકોના પરિણામોની પણ સમીક્ષા કરવામાં આવશે.
