ભારતીય નૌસેનાની તાકાતમાં ઐતિહાસિક વધારો
Live TV
-
ભારતીય નૌસેનાની તાકાતમાં ઐતિહાસિક વધારો: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતેથી દેશના પ્રથમ 'ફ્લીટ સપોર્ટ શિપ' (FSS-1) નું કર્યું જલાવતરણ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે વિશાખાપટ્ટનમ ખાતે આવેલા હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડની મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય નૌકાદળ માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ફ્લીટ સપોર્ટ શિપ-1 (FSS-1)નું ભવ્ય જલાવતરણ કરાવ્યું હતું. આ પ્રસંગે નૌકાદળની ક્ષમતાને વધુ મજબૂત કરતા અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પણ ભેટ આપવામાં આવી છે.
શિલાન્યાસ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ
આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માત્ર FSS-1 ના જલાવતરણ ઉપરાંત ડોકયાર્ડ ખાતે અન્ય વિકાસ કાર્યોની શરૂઆત કરી છે:FSS-5 નો શિલાન્યાસ: નૌકાદળ માટે નિર્માણાધીન પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો પૈકીના પાંચમા જહાજ (FSS-5)ના નિર્માણ કાર્ય માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ અવસરે સ્લિપવે-4 અને 300-ટનની વિશાળ ગોલિયાથ ક્રેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં મોટા જહાજોના નિર્માણને વધુ વેગ આપશે.
કેવી રીતે ઉપયોગી થશે 'ફ્લીટ સપોર્ટ શિપ'?
ફ્લીટ સપોર્ટ શિપ (FSS) એ ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલા પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોની શ્રેણીનું પ્રથમ જહાજ છે. આ જહાજ સમુદ્રની વચ્ચે જ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોને ઇંધણ, તાજું પાણી, દારૂગોળો અને અન્ય આવશ્યક સામગ્રી પૂરી પાડશે. જેને કારણે યુદ્ધ જહાજોને રી-સપ્લાય માટે વારંવાર કિનારે કે પોર્ટ પર પાછા ફરવું પડશે નહીં અને તેમની ઓપરેશનલ ક્ષમતા અખંડ રહેશે.'આત્મનિભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત દેશની દરિયાઈ સીમાઓને વધુ સુરક્ષિત અને સ્વાવલંબી બનાવવા માટે આ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યું છે.
