ભારતીય સેનાએ 2 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા, 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓને પકડવા માટે આજે (સોમવારે) ત્રીજા દિવસે પણ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેનાએ બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે અને તેમના પર 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો વિદેશી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ હમઝાના નેતૃત્વમાં આતંકવાદીઓના એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એકે એસોલ્ટ રાઇફલ્સ ઉપરાંત, આતંકવાદીઓએ યુએસ નિર્મિત M4 કાર્બાઇન્સ અને સ્ટીલ બુલેટનો પણ ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે 4 અન્ય ઘાયલ થયા હતા. સોમવારે પણ હોસ્પિટલમાં ઘાયલ જવાનોની સારવાર ચાલુ છે. આતંકવાદીઓએ કાફલાના બે વાહનોમાંથી એકને નિશાન બનાવ્યું અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તાર હેઠળ સ્થિત પુંછમાં હુમલો 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થવાના હતા તેના થોડા અઠવાડિયા પહેલા થયો હતો.
સોમવારે પણ આતંકવાદીઓની શોધમાં ઓપરેશન ચાલુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ સ્થળોએ ચેકપોઈન્ટ લગાવ્યા છે અને દરેક વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાએ 2 આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓના ઠેકાણા વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.