ભારત-જાપાન સમિટ: જાપાનના પીએમ સાને તાકાઇચી ભારતની મુલાકાતે
Live TV
-
ભારત-જાપાન સમિટ: જાપાનના પીએમ સાને તાકાઇચી ભારતની મુલાકાતે
ભારત અને જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી ગઈકાલે ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે ભારત આવી પહોંચ્યા છે. જાપાનના પીએમ તરીકે સાને તાકાઇચીની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને 16માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.
દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર મંથન
આ હાઈ-પ્રોફાઈલ શિખર સંમેલન બંને દેશો માટે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવા અને તેને વધુ સુદ્રઢ બનાવવાની ઉત્તમ તક પૂરી પાડશે. બંને નેતાઓ પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રો, આર્થિક ભાગીદારી, ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા સહિતના મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશોના વડાઓ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે.
મહત્વના કરારોની આશા:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાને તાકાઇચી વચ્ચેની આ દ્વિપક્ષીય વાતચીત બાદ સંરક્ષણ, વ્યાપાર અને ગ્રીન એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વના કરારો (MoUs) પર હસ્તાક્ષર થવાની પ્રબળ સંભાવના છે.
દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
ગઈકાલે જાપાનના પ્રધાનમંત્રી નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે એરપોર્ટ પર જાપાની પીએમની આગેવાની કરી હતી અને ભારત વતી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
બંને દેશોના રાજદ્વારી સંબંધોના ઈતિહાસમાં આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જે આગામી સમયમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નવા સમીકરણો સર્જશે.
