"ભારત ધર્મશાળા નથી કે બધાને સાચવીએ!" સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
Live TV
-
સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસમાં કડક ટિપ્પણી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જે દરેક વિદેશી શરણાર્થીને આશ્રય આપે.
સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના એક નાગરિકની અરજી ફગાવી દેતા સોમવારે કડક ટિપ્પણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરમાંથી આવતા શરણાર્થીઓને સમાવી લેવામાં આવે." આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે કોર્ટ શ્રીલંકાના એક તમિલ નાગરિક દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં સજા પૂર્ણ કર્યા પછી ભારતમાં નિર્વસનથી રક્ષણ મેળવવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં શું કહ્યું ?
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે, "શું ભારત વિશ્વભરના શરણાર્થીઓને આશ્રય આપશે? આપણી વસ્તી પહેલાથી જ 140 કરોડ છે. આ કોઈ ધર્મશાળા નથી જ્યાં આપણે બધા વિદેશી નાગરિકોને રાખી શકીએ."
આ કેસ મદ્રાસ હાઈકોર્ટના તે આદેશ સાથે સંબંધિત છે જેમાં શ્રીલંકાના એક નાગરિકને સાત વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તરત જ દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. તેને "ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA)" હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, જો તેને શ્રીલંકા પાછો મોકલવામાં આવે છે તો તેના જીવને ગંભીર જોખમ છે. વકીલે કહ્યું હતું કે, તે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી કસ્ટડીમાં છે અને હજુ સુધી કોઈ દેશનિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
વધુમાં, તેમના પત્ની અને બાળકો પહેલાથી જ ભારતમાં સ્થાયી છે. જેના પર કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, "બીજા કોઈ દેશમાં જાઓ." અરજીને ફગાવી દેતા, સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પગલાને સમર્થન આપ્યું કે તેને સજા પૂરી થયા પછી દેશ છોડવો પડશે.
