ભારત-નેપાળ વેપાર સંબંધો માટે મોટી ઉપલબ્ધિ, કોલકાતા બંદરથી બિરાટનગર પહોંચ્યું કેનોલાનું પહેલું શિપમેન્ટ
Live TV
-
ભારત અને નેપાળ વચ્ચેના વ્યાપારિક સંબંધો ઝડપથી આગળ વધી રહ્યા છે અને આ સંદર્ભમાં કોલકાતા બંદરથી ભારતના જોગબની ઇન્ડિયન કસ્ટમ્સ યાર્ડ દ્વારા કેનોલા અનાજનો પહેલો શિપમેન્ટ નેપાળના બિરાટનગર સ્થિત કસ્ટમ્સ યાર્ડમાં પહોંચી ગયો છે.
નેપાળમાં ભારતીય દૂતાવાસે, તેને ભારત-નેપાળ વેપાર સંબંધોમાં મુખ્ય સીમાચિહ્નરૂપ ગણાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું કે, કેનોલા અનાજનો પહેલો માલ 20 જુલાઈના રોજ કોલકાતા બંદરથી ભારતીય કસ્ટમ્સ યાર્ડ, જોગબની દ્વારા નેપાળના બિરાટનગર કસ્ટમ્સ યાર્ડ પહોંચ્યો. આ નવેમ્બર 2025માં હસ્તાક્ષર કરાયેલ નેપાળ-ભારત ટ્રાન્ઝિટ સંધિના પ્રોટોકોલમાં સુધારા પર વિનિમય પત્રનું પરિણામ છે.
પોસ્ટમાં વધુમાં કહેવામાં આવ્યું કે, સરહદ પાર કાર્ગો ટ્રેન સેવાઓ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં અને ભારત-નેપાળ વચ્ચે વેપારને વધુ વેગ આપવામાં મદદ કરશે.. ગયા વર્ષે નેપાળ-ભારત ટ્રાન્ઝિટ સંધિના પ્રોટોકોલમાં સુધારા બાદ, નેપાળને બિરાટનગર ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) દ્વારા બલ્ક અને કન્ટેનર રેલ માલવાહક સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ભારતીય સહાયથી બનેલ બિરાટનગર ICP પર પ્રથમ સીધી માલવાહક ટ્રેનનું આગમન છે.
બિરાટનગર કસ્ટમ્સ ઓફિસના ચીફ કસ્ટમ્સ ઓફિસર ઉમેશ શ્રેષ્ઠાનું કહેવું છે કે, "સ્વસ્તિક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા કેનોલા અનાજથી ભરેલા 40 કન્ટેનરો સાથેની એક માલગાડી સોમવારે ICP પહોંચી."
આ માલનું પરિવહન કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત માલગાડીથી કરવામાં આવ્યું હતું. બધા કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક કાર્ગો ટ્રેકિંગ સિસ્ટમ (ECTS) ફીટ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર રૂટ પર કાર્ગોનું ટ્રેકિંગ શક્ય બન્યું.
કોલકાતામાં નેપાળના કોન્સ્યુલેટ જનરલે અગાઉ એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, કાર્ગો ટ્રેન 17 જુલાઈના રોજ કોલકાતા બંદરથી રવાના થઈ હતી. તેમાં 40 ઉચ્ચ-ક્ષમતાવાળા કન્ટેનર હતા અને તેને બિરાટનગર આઈસીપી ખાતેના કસ્ટમ યાર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.
