ભારત-પાકિસ્તાન 'સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ' માટે સંમત થયા
Live TV
-
ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે સંમત થયાઃ વિદેશ મંત્રાલય
ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાત કરીઃ વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો. પાકિસ્તાનના DGMOએ આજે બપોરે ફોન પર વાત કરી હતી. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામનું પાલન કર્યું છે અને બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાત કરશેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરી
વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ભારત-પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ અપનાવ્યું છે અને તે ચાલુ રાખશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ પર તાત્કાલિક સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ કરાર અમેરિકાની મધ્યસ્થીથી થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં લખ્યું, "અમેરિકા દ્વારા મધ્યસ્થી કરાયેલી રાતભરની લાંબી વાતચીત પછી મને આનંદ છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે."
યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે તેઓ અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ છેલ્લા 48 કલાકથી ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ચર્ચામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને પાક NSS અસીમ મલિક હાજર રહ્યા હતા.
ભારત સરકારે આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈને લઈને એક મોટો નિર્ણય લીધો હતો. સરકારે કડક સંદેશ આપ્યો કે ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી ઘટનાને ભારત સામે યુદ્ધ ગણવામાં આવશે.
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું અને 7 મેના રોજ વહેલી સવારે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો.
પાકિસ્તાને સતત ભારતીય લશ્કરી થાણાઓ અને વસ્તીવાળા વિસ્તારો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેમાંથી મોટાભાગના ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા.