ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું બુધવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, અંશુમન ગાયકવાડને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ બહાદુર ખેલાડી અને ઉત્તમ કોચ હતા. તેમના નિધનથી હું દુઃખી છું. હું તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, તેઓ અંશુમન ગાયકવાડના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. આ સમગ્ર ક્રિકેટ જગત માટે હૃદયદ્રાવક છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
પૂર્વ કેપ્ટન કપિલ દેવે પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને તેમના બ્લડ કેન્સર અંગે મદદ કરવા પહેલ કરી હતી. કપિલે અંશુમનની સારવાર માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ, કીર્તિ આઝાદ અને અન્ય સાથી ખેલાડીઓ ગાયકવાડની મદદ માટે આગળ આવ્યા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ, ગાયકવાડને મદદ કરવા માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટની પણ જાહેરાત કરી હતી.
71 વર્ષીય અંશુમન ગાયકવાડે, તેમની 40 મેચની ટેસ્ટ કારકિર્દીમાં 30.07ની એવરેજથી 1985 રન નોંધાવ્યા, જેમાં 2 સદી અને 10 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે 15 વન-ડે મેચો પણ રમી હતી, જેમાં તેણે 20.69ની એવરેજથી 269 રન નોંધાવ્યા હતા.
અંશુમન ગાયકવાડે, 206 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને 41.56ની એવરેજથી 12,136 રન નોંધાવ્યા. આ દરમિયાન તેમણે 34 સદી અને 47 અડધી સદી પણ ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ એ મેચો પણ રમી હતી, જેમાં તેણે 32.67ની એવરેજથી 1601 રન નોંધાવ્યા હતા. તેઓ વર્ષ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પણ હતા. 27 ડિસેમ્બર, 1974 ના રોજ, તેણે કલકતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી. તેમણે તેમની છેલ્લી મેચ 1984માં કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ગાયકવાડે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ માટે પણ કામ કર્યું હતું. જૂન 2018માં, બીસીસીઆઈ એ તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. તેમના પિતા પણ ક્રિકેટર હતા, પિતા દત્તા ગાયકવાડ, ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા.
